પૃષ્ઠ:Snehashristi.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોમાંચની લાલસા: ૧૧૫
 


‘જ્યોત્સ્ના ! એ ભ્રમણા તું છોડી દે એમાં કોઈને લાભ નથી. ન એને કે ન તને.’

‘છોડેલી જ છે ને ? સુરેન્દ્રને ક્યાં તારી કે મારી પરવા છે ?’

‘તું માને છે એટલો સુરેન્દ્ર બેપરવા નથી. હોં…’

‘એમ ? શા ઉપરથી તું કહે છે ?’

‘એના તરફ જે સૂચનાઓ ફેંકાય છે, એ જોતાં એણે ક્યારનું ખસી જવું જોઈતું હતું… તારા ઘરમાંથી.’

‘આ આપણું નાટ્ય થઈ જાય પછી એને છૂટો કરીએ… એ પણ ઘણું કહે છે છૂટા થવા માટે.’

‘નાટકમાં એની શી જરૂર છે ? એ તો અતિચોખલિયો…’ વાત કરતાં… ધીમે ધીમે ચારે બાજુનાં ઘોંઘાટમાં સમાઈ જતી વાતચીત કરતાં બંને જણ બહાર આવી રહ્યાં અને સિનેમાગૃહની આગળ કાંઈ ધાંધલ ઊભું થયું. લોકો ભેગા થઈ ગયા, બૂમાબૂમ થઈ રહી અને નિષ્ક્રિય ટોળાં જામી ગયાં.

‘જો પેલો સુરેન્દ્ર ! બાજુ ઉપર રહ્યો છે તે !’ જ્યોત્સ્નાએ આંગળી વડે બતાવ્યો.

‘એનું જ કાંઈ તોફાન હશે.’ મધુકરે કહ્યું.

‘શા ઉપરથી ?’

‘તેમ ન હોય તો એ અહીં શાનો હોય ?… અને એ સુરેન્દ્ર જ છે ખરેખર !’

સુરેન્દ્ર ખરેખર ટોળા વચ્ચે એક બાજુ ઉપર સ્વસ્થતાથી ઊભો હતો, અને મધુકરની એક પરિચિત યુવતીમિત્ર મીનાક્ષી તેની પાસે થરથરતી ઊભી હતી. સખીઓનાં ટોળામાં મસ્ત હાસ્યથી આગળ તરી આવતી મીનાક્ષીને બહાર નીકળતા બરોબર એકાએક માણસોએ ઊંચકી એક કારમાં બેસાડી દીધી, અને ઘણી હોહા થવા છતાં કોઈએ તેને છોડાવવાની હિંમત ન કરતાં કારના એન્જિને પોતાનું કાર્ય શરૂ કર્યું. પરંતુ એન્જિન ચાલવા છતાં કાર આગળ ચાલી નહિ, એટલે કારની આસપાસ લોકો વીંટાઈ વળ્યા. ડ્રાઈવરે બળ કર્યું. પરંતુ ગાડી ચાલી જ નહિ, એટલે એણે ઊતરી ગાડીનાં પૈડાં તપાસ્યાં અને પૈડાંમાંની હવા નીકળી ગઈ હોવાથી બેઠેલાં પૈડાં જોઈ ડ્રાઇવર કાંઈ ઇશારત કરી ટોળામાં અદૃશ્ય થઈ ગયો. મીનાક્ષીને પકડી કારમાં બેઠેલા ત્રણે જણ આ જોઈ એકાએક ઊતરી ટોળામાં જ અદૃશ્ય થઈ ગયા અને બીકથી ધ્રૂજી ઊઠેલી મીનાક્ષી પાસે જ