‘હવે મીનાક્ષી ! ઘેર ચાલવું છે ને ? કહે તો પોલીસની મદદ લેઈએ.’ ચોથી બહેનપણીએ ઘેર જવાની ઉતાવળ કરી. પાંચછ બહેનપણીઓ આજનું સરસ ગણાતું ચિત્ર જોવા ખાસ ભેગી થઈને આવી હતી. એ બધી ભણેલી લલનાઓ સ્ત્રીસ્વાતંત્ર્યના વિચારો અને આચારોમાં ખાસ આગળ પડતી ગણાતી હતી. સુરેન્દ્ર, મધુકર, જ્યોત્સ્ના એ સર્વનો તેમને પરિચય હતો. મીનાક્ષીએ કહ્યું :
‘હું તો સુરેન્દ્રની સાથે જઈશ.’
‘બધાં જ ચાલો ને, સાથે જ ? મધુકર ! ત્રણેક ટૅક્સીઓ લાવે ને.’ જ્યોત્સ્નાએ વચમાં આવી કહ્યું. એ પૈસાદાર છોકરીને પૈસાનો કાંઈ હિસાબ ન હતો.
ટોળું વીખરાઈ ગયું હતું. કાર એમ ને એમ ખસ્યા વગર પડી રહી હતી. પોલીસે લાંબી પંચાયત કરી નહિ.
‘આપણે ચાલતાં ચાલતાં લેઈ લેઈએ.’ મધુકરને જ્યોત્સ્નાની આજ્ઞા બહુ ગમી નહિ એટલે એણે રસ્તો કાઢ્યો.
‘સુરેન્દ્ર ! તું મારી સાથે જ ચાલ.’ મીનાક્ષીએ કહ્યું અને સહુએ ચાલવા માંડ્યું.
ટૅક્સી ઝડપથી મળી નહિ. સુરેન્દ્ર પણ ધીમે ધીમે યુવતીટોળાની પાછળ ચાલવા લાગ્યો. મધુકરે તેનો સાથ કર્યો અને જરા રહી કહ્યું :
‘જોયું, સુરેન્દ્ર ?’
‘શું ?’
‘સ્ત્રી એટલે… એટલે… રમવાનું રમકડું…’
‘તારે મન એમ હશે.’
‘તો તું શું ધારે છે ?’
‘હું કાંઈ જ ધારી શકતો નથી. આખો સ્ત્રી પ્રદેશ મને અગમ્ય છે… મારી માતાથી શરૂ કરી મીનાક્ષી સુધીનો.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘પણ આ બધું બન્યું શું ?’ આગળ ટોળામાંથી એક યુવતીએ પૂછ્યું.
‘સુરેન્દ્ર ! જરા આગળ તો આવ ? આ બધાં પૂછે છે કે શું બન્યું ?’ મીનાક્ષીએ સુરેન્દ્રને આગળ બોલાવી લીધો. મીનાક્ષીનો ગભરાટ ઘટી ગયો હતો. હવે તેની જૂની લઢણ તેણે પાછી મેળવી લીધી હતી. મીનાક્ષી બહુ લાડીને બોલતી હસતી પણ ઝટપટ; અને તેની વાતચીતનો લહેકો પણ આકર્ષક હતો.
સુરેન્દ્ર આગળ આવ્યો ખરો, પરંતુ વાત ઉપાડવાની કે વધારવાની