પૃષ્ઠ:Snehashristi.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦:સ્નેહસૃષ્ટિ
 


સ્વભાવવાળી હતી. છતાં એ બોલતી ત્યારે શ્રીલતા જેવું જ, મનને ગમી જાય એવું બોલતી. જિદ્દી તો બંને યુવતીઓ ખરી. શ્રીલતાને એ જરાય મળવા ચાહતો ન હતો છતાં ત્યાંથી, અને ગમે ત્યારે, એ મધુકરને પકડી કાઢી એનાં પ્રેમવચન અને એની મુદ્રિકા યાદ આપ્યા જ કરતી હતી ! મધુકરનો અણગમો, મધુકરની અનિચ્છા, મધુકરનો પ્રતીકાર શું શ્રીલતાને નહિ સમજાતો હોય ? ન સમજાતો હોય તો હવે એને સ્પષ્ટ સમજાવવાની જરૂર ખરી કે નહિ? પ્રેમમાં કે લગ્નમાં કોઇએ પીછો પકડવો ન જ જોઈએ... અને... એ... ગમે કે ન ગમે... આજ સુધીની ભાવનાને કે નીતિને ઘાવ લાગે કે ન વાગે તોય... એ તો સ્પષ્ટ જ કે... પ્રેમને અવધિ છે... પ્રેમ બદલાય છે. એક પ્રેમ બીજા પ્રેમ જેટલો સુખદ કે દુઃખદ નીવડે એટલે એને પલટી નાખવો એ જ સત્ય અને વ્યવહાર છે. કલ્પિત ભાવનાને વળગી રહી એક સૂર સાંભળ્યા કરવો અને દુઃખ ખમ્યા કરવું એમાં પ્રેમને પણ ન્યાય મળતો નથી. એવી પ્રગતિશીલ ફિલસૂફી આજની દુનિયાએ સ્વીકારી લેવાની જરૂર છે જ.

તેની ફિલસુફી સમજીને જ જ્યોત્સ્નાએ એને બર્ટ્રાન્ડ રસેલની ઉપમા આપી હશે ? પ્રામાણિક પ્રેમપ્રયોગ કરતા એ ફિલસૂફને હસી કાઢી જ્યોત્સ્ના હવે જેમ બને તેમ જલદી મધુકરના હૃદયને સમજી, પારખી. અપનાવી લે એ જ વધારે ઇચ્છનીય. જીવનસંગ્રામની વિજયસીડીનું એ જ હવે મહાસોપાન. એના ઉપર પગ મૂકી દેવાય તો જીવન વિજયી બની રહે. પરંતુ એ સોપાન ઉપર પગ મૂકવાની હિમ્મત પેલો સુરેન્દ્ર પણ કરી રહ્યો હતો - એની પોતાની ઢબે ! સેવાનો દેખાવ આગળ કરીને ! પ્રેમની પરવા નથી એવો ભ્રમ ઉપજાવીને ! વિજયમાર્ગમાં જે વચ્ચે આવે છે એ દુશ્મનઃ પછી દુનિયાની દૃષ્ટિએ ભલે એ મિત્ર બની રહ્યો હોય ! સુરેન્દ્ર મિત્ર ખરો, એણે એને રાવબહાદુરની પાસે સેક્રેટરીની જગા અપાવી એ સાચું... પરંતુ એમાં એનો પોતાનો જ સ્વાર્થ નહિ હોય એમ કેમ માની શકાય? પોતે સેક્રેટરી બનવાને બદલે જ્યોત્સ્નાનો શિક્ષક બની બેઠો. જેથી જ્યોત્સ્ના ઉપર એ પોતાનો જાદુ કરી શકે ! સેક્રેટરી તરીકે તો... કદાચ... રાવબહાદુરને એ પસંદ ન પડ્યો હોત તો એમણે ઝડપથી તેને દૂર કરી દીધો હોત. રાવબહાદુરને લખી આપવામાં વ્યાખ્યાનોમાં ગરીબીને કેમ ગોઠવવી એ સુરેન્દ્રને ન જ આવડે. અત્યંત સુખ ચારેપાસ ખડકાયલું રાખી પરોપકારનું ડિંડિમ વગાડવું હોય તે સુરેન્દ્ર જેવા એકમાર્ગી બોચિયાને કેમ આવડે? જરૂર એની મર્યાદા રાવબહાદુરે પકડી કાઢી હોત અને એને ક્યારનીયે વિદાયગીરી આપી દીધી હોત !... એ વિચારીને જ એ શિક્ષક