પૃષ્ઠ:Snehashristi.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨:સ્નેહસૃષ્ટિ
 

ચેતીને ચાલજે.’

‘અરે, જા હવે ! એ છોકરી વળી શું કરવાની છે ? બે ધમકીના બોલ બોલશે અને... મને છોડી કોઈ અણધાર્યા પુરુષને પરણી બેસશે... હું એને બરાબર ઓળખું છું... માટે એને...’

‘તું જતી કરે છે !... સુરેન્દ્રને હું પણ જતો કરું તો ?’ જરા ગંભીરતાપૂર્વક વિચાર કરી જ્યોત્સ્ના બોલી.

‘અને નવાઈ એ લાગે છે કે તેં હજી સુધી એને જતો કર્યો કેમ નથી ! ભાવનાનો ભ્રમ ઊભો કર્યો જીવન ન જિતાય !... તું જો સુરેન્દ્રને આંગળી આપીશ તો તારો પોંચો જરૂર પકડશે. અને તારી આખી મિલકતને... તારા આખા જીવનને એ નષ્ટ કરી નાખશે.’ મધુકરે કહ્યું.

‘કારણ ?’

‘એ સામ્યવાદી છે.’

‘સામ્યવાદીની તરફેણમાં તો મેં અને તેં પણ વ્યાખ્યાન આપ્યું હતું ! યાદ છે?’

‘એનાં સારાં તત્ત્વો ભલે આપણે સમજી લઈએ. પરંતુ એમાંથી ઊપસતી અંતિમ સરમુખત્યારી લૂંટારાઓની લૂંટ કરતાં પણ વધારે ભયંકર છે... તું રખડતી બની જઈશ...’

‘તને ખબર છે ?... મારી અને મારા દાદાની વચ્ચે પિતાજી કમાયા ન હોત તો હું અત્યારે પણ રખડતી જ હોત !’

‘ફરી રખડતાં થવું હોય તો સુરેન્દ્રને શોધજે.’

‘કહે છે કે સુરેન્દ્ર આમ રખડેલ થયો તેનું કારણ એનો પિતા જ હતો ! એના દાદાની મિલકત એના પિતાએ ગુમાવી દીધી...’

‘અને સુરેન્દ્ર વધારામાં બુદ્ધિ પણ ગુમાવી બેઠો છે.’ મધુકરે કહ્યું.

‘સુરેન્દ્રને બુદ્ધિ વગરનો કહેવો એ વધારે પડતું નથી. મધુકર ? જ્યોત્સ્નાએ જરા ગંભીર મુખ કરી કહ્યું.

‘સંયોગને, વાતાવરણને, ચાલુ પ્રવાહને જે અનુકૂળ ન થાય કે બુદ્ધિમાન કેમ કહેવાય ?’

‘સંયોગને બદલવાની. વાતાવરણને ફેરવવાની. ચાલુ પ્રવાહને જ વાળવાની જરૂર હોય તો ?’

‘પાંચસો કે હજાર વર્ષ સુરેન્દ્ર જીવે તો એ પોતાની શક્તિનો પરચો કદાચ જુએ. બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીની સુરેન્દ્ર વાતો કર્યા કરે છે... વચમાં માર્ક્સને લાવે છે... એમાંથી કોણે સંયોગ બદલ્યા ? કોણે વાતાવરણ