પૃષ્ઠ:Snehashristi.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશાની મીટ : ૧૪૩
 

ફેરવ્યું? કોણે પ્રવાહને વાળ્યો ?... પોતાની જિંદગીમાં ?...’ જરા અસરકારક છટાથી મધુકર બોલ્યો અને જ્યોત્સ્નાએ ‘Hear! Hear !’નો ઉચ્ચાર કરી તાળી પાડી !

મધુકર સહેજ ઝંખવાયો ! જ્યોત્સ્ના જરા હસી અને બોલી :

‘આમ જ તું અસરકારક નીવડે છે ! તારી અને તારી જીત વચ્ચે માત્ર પાંચ જ મિનિટનો ગાળો !’

‘તું મને હસી શકે છે, જ્યોત્સ્ના ! પરંતુ... ઇતિહાસ જો ! બુદ્ધે કે ક્રાઈસ્ટે કેટલાં વહેણ બદલ્યાં?... આજ એ બંને જીવતા બની પાછા આવે તો એમની કેટલી મહેનત સફળ થયેલી એ માને ? એક ટકો ?... બે ટકા? પછી આ જૂઠી ઘટમાળ શી? સેવાના તુક્કા શા ?... એ બધાય ફુગ્ગા ઊડી ઊડી... સુંદર દેખાઈને... ફટ્ટ ફૂટી જવાના !’ મધુકરે વધારે છટા ઉમેરી કહ્યું.

જ્યોત્સ્ના ક્ષણભર મધુકર સામે જોઈ રહી. આ ક્ષણે તેનું મુખ ગંભીર હતું. જરા રહી તેણે કહ્યું :

‘તારું કહેવું વિચારવા સરખું ખરું... મધુકર ! તેં સુરેન્દ્ર સાથે આ દલીલ કરી છે ?’

‘કંઈક વાર. પરંતુ હવે એ મારી સામેથી નાસતો ફરે છે... થોડા દિવસમાં એ કીડી-મંકોડીને લોટ નાખતો ન બની જાય તો મને કહેજે !’

‘મધુકર ! તને એક વચન આપું ?’

‘મને? શું વચન તું આપે છે?... મારા હૃદયને તે ઓળખ્યું શું?’

‘હૃદય તો યંત્ર છે ! ઝટ ઓળખાય. હું ક્યારની વિચાર કરી રહી છું. જો સુરેન્દ્ર થોડા દિવસમાં અહીંથી જાય તો ધારી લેજે કે મેં તારી ફિલસૂફી સ્વીકારી લીધી છે. હું કીડીઓને લોટ નાખતી નહિ કરું

‘શાબાશ ! તું એ જ માર્ગે વહી રહી છો એ હું હવે જોઈ શક્યો છું.’

‘શા ઉપરથી ?’

‘હમણાંની તું... સુરેન્દ્રને બહુ મળતી લાગતી નથી....’

‘સાચું !’

‘આજ પણ... એને જતો કરજે... આપણો ફરવાનો ક્રમ બદલાય નહિ !’

‘આજ તો એને મળવું જ પડશે... એ ચિઠ્ઠી મૂકી ગયો છે... કદાચ આજ એને છેલ્લી વાત કહી દઈશ... અને પછી એને જતો કરીશ. બસ ?’ જ્યોત્સ્નાએ મધુકર સામે આંખ માંડીને કહ્યું.