પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬:સ્નેહસૃષ્ટિ
 

આપી શકાય…’ સુરેન્દ્રે કહ્યું.

‘તેં જ એક વાર મને કહ્યું હતું : માનવી અન્ય માનવીને ન આપી શકે એવી કોઈ મિલકત નથી, એવો કોઈ દેહ નથી, એવું કોઈ માનસ નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એ આજ પણ સાચું છે…’ સુરેન્દ્રે કહ્યું. અને મધુકર વચમાં બોલી ઊઠ્યો :

‘હું જોઈ રહ્યો છું… હમણાંનો તમારી બન્નેની વચ્ચે મેળ મળતો નથી. તો… સુરેન્દ્ર ! તું હમણાં થોડા દિવસ ન આવે તો કેવું ?’ આ શબ્દો બોલી તેની અસર જ્યોત્સ્ના ઉપર શી થાય છે એ જોવા મધુકરે જ્યોત્સ્ના સામે જોયું. અને મધુકરને સહેજ ચમકાવતો જવાબ સુરેન્દ્રે આપ્યો :

‘મધુકર ! હું તારી સલાહ કરતાં પણ આગળ જવા માગું છું. હું હવે બિલકુલ અહીં આવીશ નહિ ! પછી કાંઈ ?’

‘તું તો કહેતો હતો કે તારામાં અભિમાન છે જ નહિ. આ તારા બોલ તો અભિમાનથી ઊભરાય છે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘નહિ, જ્યોત્સ્ના ! આવવાની ના કહું છું તે શિક્ષક તરીકેની… તને મારી શિક્ષક તરીકે હવે જરૂર નથી… છતાં હું એમ આવું તો…’

‘તારી જાતને તું બેવફા નીવડ્યો ગણાય, નહિ ?’ સુરેન્દ્રના અધૂરા વાક્યને જ્યોત્સ્નાએ પૂરું કર્યું.

‘તું બહુ સાચું બોલી.’ સુરેન્દ્રે કહ્યું.

‘વારુ, બસ ત્યારે !… કોઈ વાર મળીશું… આવજે.’ જ્યોત્સ્નાએ કહ્યું અને સુરેન્દ્ર ઊભો થઈ ખંડની બહાર નીકળી ગયો. પાછા જતા સુરેન્દ્રની પાછળ જ્યોત્સ્ના ક્ષણભર જોઈ રહી. પછી તે હસી, અને હસતાં હસતાં તેનાથી મધુકર સામે જોવાઈ ગયું.

મધુકર પણ એ હાસ્યનો હાસ્યથી જવાબ ન આપે એવો અરસિક તો હતો જ નહિ. એણે પણ જ્યોત્સ્ના સામે હાસ્ય ફેંક્યું. એના માર્ગમાં નડતો કાંટો અત્યારે દૂર થતો હોય એમ લાગ્યું.

પરંતુ જ્યોત્સ્નાને જાણે મધુકર સામે બિલકુલ હસવું ન હોય એમ એણે એકાએક હાસ્યને અટકાવી દીધું. જ્યોત્સ્નાનું હાસ્ય સ્વતંત્ર હતુ. સુરેન્દ્ર સામે એને હસવું હતું ખરું, પરંતુ એના હાસ્યમાં એ મધુકરને ભાગ આપવા ઇચ્છતી ન હતી. હાસ્ય અટકાવીને તે સહજ ઊભી રહી મધુકરની દૃષ્ટિ ખસેડી નાખીને !

‘છેવટે તેં એને વિદાય આપી ખરી !’ થોડી વારે મધુકરે કહ્યું.