પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાથમાં ઊતરતું ફળ:૧૭૫
 

 ‘જ્યોત્સ્નાને હું ધીમે ધીમે ચલાવવાનું કહીશ…પણ ગાડી ચલાવવામાં નવો જમાનો કે નવું ભણતર વચ્ચે લાવવાની જરૂર નથી.’

‘તે જૂના જમાનામાં આવી ગાડીઓ હતી ખરી ? લગભગ સરખી ધનિક સ્ત્રીઓ વાદવિવાદમાં એકબીજાથી હારતી નથી. ઓળખીતાં બાઈએ પુત્રીનો બચાવ કરતી માતા સામે આહ્‌વાન ફેંક્યું.

કોઈ પણ આહ્‌વાન ન ઝીલે એ આર્યતા જ નહિ ! યશોદાબહેનની આર્યતાએ ઝડપથી ધર્મશાસ્ત્ર અને કથાપુરાણનો આશ્રય શોધ્યો. ને એવા આશ્રય લેનાર કોઈ પણ પ્રસંગે નિષ્ફળ નીવડે જ નહિ. ધાર્મિક નમ્રતાપૂર્વક યશોદાબહેને કહ્યું :

‘કેમ બહેન ! એમ કહો છો ? રામાયણ તો તમે રોજ વાંચો છો એમ કહો છો, અને કૈકેયીની વાત કેમ ભૂલી જાઓ છો ? દશરથ રાજાનો રથ એણે બચાવ્યો એ રથ ચલાવવાની આવડતને જ લીધે હોય ! નહિ ?’

વર્તમાન યુગની કારને સ્વહસ્તે ચલાવવાના સ્ત્રીઓના હક્કને ત્રેતાયુગના દૃષ્ટાંતનો ટેકો આપી લગભગ સામી દલીલ નિરર્થક બનાવી ચૂકેલા યશોદાબહેનને પુત્રીને એકાંતમાં કારની ઝડપ ઘટાડવા સલાહ આપી, ત્યારે જ્યોત્સ્ના તરફથી ઢાલની બીજી બાજુ પણ તેમને સમજાઈ. શિખામણ આપનાર સન્નારીની જ પુત્રી નવનવી કાર ચલાવવાનું શીખી જ્યોત્સ્ના સાથે શર્તમાં ઊતરવા માગતી હતી !… અને જરા સરખી હરીફાઈમાં એ જ છોકરી અકસ્માત કરવાની તૈયારીમાં હતી ! આમ આર્યત્વને આશ્રયે ઊછરેલી જ્યોત્સ્ના વર્તમાન યુગની કાર ચલાવવાનું ક્યારનીયે શીખી ગઈ હતી. એવી જ ઢબે નવાં શિક્ષણ આર્યતાને અનુકૂળ બની જાય છે.

પુત્રપુત્રી જ્યારે પણ બહારથી ઘેર આવે ત્યારે માતાપિતાને એમ જ લાગવાનું કે સંતાનો આવવું જોઈએ એટલું વહેલાં આવતાં જ નથી. મધુકરને ઘેર મૂકી આવેલી જ્યોત્સ્ના પાછી ફરી એટલે માતાએ પહેલો જ પ્રશ્ન કર્યો :

‘કેમ, બહેન ! આટલી મોડી ?’

‘બહુ મોડું તો નથી થયું, મા ! પણ હું મધુકરને એને ઘેર મૂકવા ગઈ હતી.’ જ્યોત્સ્નાએ હાથની ઘડિયાળમાં ઝડપી નજર નાખી કહ્યું. ઘડિયાળને આર્યતામાં સ્થાન હશે કે કેમ એની ચર્ચા જાહેરમાં હજી થઈ જાણી નથી. ઘડી શબ્દ જ આર્યજ્યોતિષનો સૂચક છે એટલે આર્યતાવિરોધીઓની એ ચર્ચા માટે હિંમત નહિ ચાલી હોય !