પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વપ્નમાં સત્યઃ ૨૧૩
 

હતો. એ ભારતને સ્વરાજ્ય મળ્યું… પછી તો એક એકથી ચઢતી ચળવળો શરૂ થઈ. નિવાસહીન માનવીઓનાં સંગઠન થયાં અને તેમણે ગવર્નરો, પ્રધાનો તથા અમલદારોનાં મહાલયોને સતત ઘેરો ઘાલવા માંડ્યો… જનતાના દુઃખે દુઃખી થવાની ગર્જનાઓ કરી સત્તા ઉપર આવેલા એ સર્વને તેમનાં મહાલયોમાં રહેવું પ્રજાએ મુશ્કેલ કરી દીધું…’

‘એમાં કાંઈ તોફાનો ન થયાં ?’

‘તોફાનો થયાં ખરાં. કારમાં બેસી લોકોનાં દુઃખ જોતા પૂતળાં-ગવર્નરો કે નિરુપયોગી ગાંધીસ્તંભોની રચનામાં બાંધકામનો સામાન વેડફી નાખી કુમકુમ ચાંદલા હસતે મુખે કરાવી ઉદ્‌ઘાટનની મોજ માણનાર પ્રધાનો પોતાનાં મહાલયોમાં બેઠા હોય તો તેમને લોકો બહાર ન નીકળવા દે. અગર બહાર નીકળ્યા હોય તો મહાલયમાં જવા ન દે… એવો લોકપ્રયત્ન સરકારી સામનાને આકર્ષે અને તેમાંથી તોફાનો પણ થાય… અરે થયાં જ… ત્યાર પછી ગાંધીપ્રેરી અહિંસાનો ઉપયોગ કરનાર એક સુરેન્દ્ર નામનો નેતા નીકળી આવ્યો.’

‘સુરેન્દ્ર ! એ તો મારું જ નામ છે… હાં; પછી ?’

‘એણે જનતામાં પાછી અહિંસાની પ્રતિષ્ઠા સ્થાપી… મરવું, પણ મારવું નહિ… અને મરતાં સુધી લીધેલી પ્રતિજ્ઞામાંથી ખસવું નહિ, એવા સિદ્ધાંતવાદીઓ દ્વારા યોજાયેલા સત્યાગ્રહે બહુ મોટા ફેરફારો ઉપજાવ્યા. નિવાસીનતા ટળી ગઈ અને મજૂર તથા પ્રધાન બન્નેના નિવાસ સરખા બની જવા લાગ્યા.’ યુવતીએ કહ્યું.

‘બહુ નવાઈ જેવું.’

‘આમ તો કાંઈ જ નવાઈ જેવું ન કહેવાય. નિરુપયોગી, નિરર્થ-બિનજરૂરી શોભાવાળાં મકાનો બંધાતાં અટક્યાં અને… જુઓ ને મિત્ર ! પૃથ્વી બાંધકામ માટે એટએટલાં વિપુલ સાધનો આપી રહી છે કે કોઈને મકાન વગર રહેવાની જરૂર નથી.’

‘પરંતુ… આ તમારી દુનિયામાંથી ભૂખમરો કેમ અદૃશ્ય થયો ? …આવાં સરસ પકવાનો તમે કેમ સર્જી શકો છો ?’

‘ભૂખમરો તો કૃત્રિમ હતો જ - બિનજરૂરી. બાંધકામની વસ્તુઓ માફક અનાજ પણ પૂરતું થાય એવી શક્તિ જમીનમાં રહેલી છે… કમનસીબે બુદ્ધિ અને શ્રમ વચ્ચે ભારે ફાટ પડતી ચાલી… શ્રમની મહત્તા બદલ બુદ્ધિએ ભારે ભારે ભાષણો કરવા માંડ્યાં… એની સામે લડતની સુરેન્દ્રે શરૂઆત કરી… ખાલી પડેલી જમીનમાં એણે ખેતી રહિત બેકાર