પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાગચૂડ: ૨૧૯
 

છતાં એ સાધુ પાસે ન ગયો અને ઘેર પાછો આવ્યો. ઘર આગળ ચિઠ્ઠી લઈ એક માણસ તેની રાહ જોતો ઊભો જ હતો. તેણે સુરેન્દ્રના હાથમાં ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં તેને એક આમંત્રણ મળ્યું હતું. એ આમંત્રણ શહેરના બીજા વિખ્યાત ધનિકનું હતું. અર્થશાસ્ત્રના એક પણ સિદ્ધાંતનો અભ્યાસ કર્યા વગર ધનિક થઈ ચૂકેલા આ ગૃહસ્થને એવી ઈચ્છા હતી કે તેઓ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે અને તે પણ ચાણક્યના નીતિશાસ્ત્રથી માંડી માર્ક્સવાદ સુધીની બધી જ આર્થિક સંભાવનાઓ ટૂંકામાં સમજી જાય ! એ સમજાવવા માટે તેમને સુરેન્દ્રના નામનું સૂચન થયું હતું એટલે સુરેન્દ્રે જઈ તેમને મળવાની સૂચના એ ચિઠ્ઠીમાં હતી.

સુરેન્દ્રને એક પ્રકારનો આનંદ તો થયો જ. કદાચ આમાંથી તાત્કાલિક પોષણનું સાધન મળી જાય એમ પણ એને લાગ્યું - અને તે સાથે જ એનો આનંદ ઓસરી ગયો. જે ધનિકતા આજની દુનિયામાં નાગચૂડ બનીને બેસી ગઈ છે એ ધનિકતાને ધનનું શાસ્ત્ર સમજાવવા નાગચૂડનો સામનો કરનાર સુરેન્દ્રને જ જવાનું શું ? સુરેન્દ્રને બૌધ ધર્મ તોડનાર મહામીમાંસક આચાર્ય કુમારિલ ભટ્ટનું દૃષ્ટાંત યાદ આવ્યું. બૌધ ગુરુની પાસેથી બૌદ્ધ માર્ગના સિદ્ધાંતો શીખી કુમારિલ ભટ્ટે બૌધ માર્ગનું ખંડન કર્યું - સાથે સાથે ગુરુદ્રોહનું પાપ કર્યા બદલ ડાંગેરનાં છાલાંને સળગાવી કુમારિલ ભટ્ટ એમાં બળી મરી પ્રાયશ્ચિત્ત કરતા હતા ! સુરેન્દ્રને એક જ આ આશ્વાસન લેવાનું હતું. દુનિયાનું ધન ઉજાળવા તે ઇચ્છતો ન હતો. પરંતુ ધન એકહથ્થુ કરી લેનાર - ધનને કેદમાં પૂરનાર - માનવ લક્ષ્મીને પોતાના કિલ્લામાં ગુલામ બનાવનાર થોડા ધનિકોનાં કદનાં તાળાં એ ખોલી નાખવા માગતો હતો - અને તે પણ સામ્યવાદીઓની હિંસક ઢબે નહિ જ. હિંસા કરીને જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત થાય એની સાથે હિંસા ચોંટીને જ આવવાની, અને એ હિંસા જીવવાની જ. ધનનો એકમાર્ગી ઢગલો પણ એક પ્રકારની હિંસા જ છે ! તે નિરુપયોગી ઢગલાને ઉપયોગમાં આવે એવી ઢબે વેરવાની યોજના એ વિચારી રહ્યો હતો – જે યોજનાનો પ્રથમ પાયો તો એ જ હતો કે તેણે અંગત રીતે ધનસંચય કરવો જ નહિ ! છતાં દેહને સજીવન રાખવા માટે જેટલું આવશ્યક પોષણ જોઈએ તેટલું પોષણ મેળવવા તેણે પ્રયત્ન કરવાનો હતો જ. પાપના ઢગલામાંથી પણ જીવવા માટે તેણે ચપટી ભરીને માપ તો લેવું જ પડવાનું ! કુમારિલ ભટ્ટની માફક તે જીવનભર ડાંગરનાં છોડાંમાં પોતાના દેહને બાળ્યા જ કરશે - સમગ્ર ઈદ્રિયસુખનો ભોગ આપીને !