પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમવૈચિત્ર્યઃ ૨૨૫
 

દીધી… આ નવનીતભાઈ શેઠને ત્યાં તારી ગોઠવણ થાય છે એમાં ઊંડું રહસ્ય રહેલું છે. એ તને પહેલેથી સમજાવી દઉં.’

‘શું રહસ્ય છે એમાં ?… જો એમાં શેઠના કુટુંબને મારવાની કે એમના ખજાના ખોલીને તોડવાની યોજના હોય તો મારો એમાં સાથ નથી એમ માની લેજે.’

‘વચમાં આ તમારો કાયર ગાંધીવાદ ન આવ્યો હોત તો તમે બધા નિર્મળ કાંજીપીઉ નિર્માલ્યોને બદલે…’

‘જે બન્યું તે સ્વીકારવું જ રહ્યું ! એ પણ ઇતિહાસદીધું પરિણામ છે… ઇતિહાસે ઉપજાવેલો ઘન-ઘટ્ટ-અર્થ !’

‘સસ્‌સ્… જો હું જાઉં છું… મારી પાછળ પોલીસ પડી લાગે છે… હું કહું નહિ ત્યાં સુધી તું શેઠની નોકરી છોડતો નહિ…’ કહી પરાશર એકાએક અદૃશ્ય થઈ ગયો. અને ખરે, એક સ્વાંગ સજેલો પોલીસ પણ દેખાયો ખરો. સુરેન્દ્ર સહજ સ્મિત સહ આગળ વધ્યો. ધૂની માણસો, આદર્શવાદી માણસો, કોઈ જાતની માનસિક વ્યથા લઈ ફરતા માણસો સહુ આવા જ ઘેલા હશે ને ? ભારતમાં પણ વર્ગવિગ્રહમાંથી જનતાની ક્રાન્તિ લાવવા મથતો સામ્યવાદી પરાશર, સામ્યવાદમાંથી હિંસા ગાળી કાઢવા મથતો સુરેન્દ્ર અને સર્વાર્પણ કરીનેય ધન મેળવવા મથતો મધુકર, ત્રણેમાં ઘેલછા તો સરખી જ ! ત્રણેને પોતાના જ આદર્શો સાચા લાગતા હતા. આદર્શો સિદ્ધ થાય એવા લાગતા હતા. આદર્શસિદ્ધિ માટે ઈતિહાસ સાધન રચતો હતો, ચાલતો હતો એમ લાગતું હતું ! જાતને સુખી કરવી; જનતાના સુખમાં જ જાતનું સુખ નિહાળવું; અને જનતાને સુખી કરવા સુખનાં સાધનોનો કબજો લેઈ બેઠેલાઓને નાબૂદ કરવા ! ઉદ્દેશ લગભગ એક જ; માર્ગ જુદા જુદા ! નહિ ? સહુને સુખી કરવાની ભાવનામાં પણ અંતે તો પોતાની જાતને સુખી કરવાની તૃષ્ણા જ ઝાંખી ઝાંખી રહેલી છે ને ?

નવનીતલાલ શેઠનો બંગલો આવી પહોંચ્યો. જેમ ઝૂંપડીઓની એક જ શૈલી, ચાલની એક જ શૈલી, તેમ ધનિકોના બંગલાઓની પણ એક જ શૈલી ! બંગલાઓના દેખાવ આકર્ષક… પરંતુ પ્રત્યેક બંગલા ઉપર જાણે અલિખિત અક્ષરોથી કોઈ ભયંકર મનાઈ લખી રાખી હોય એમ તેને દેખાતું :

‘આ બંગલો મારો છે. મારી રજા વગર કોઈને પણ એમાં આવવાનો અધિકાર નથી !’

બંગલામાં જ્યાં નજર નાખીએ ત્યાં આવા જ અક્ષરો લખી રાખેલા