પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨:સ્નેહસૃષ્ટિ
 


ગામડે ગમાર, પણ શહેરીઓ બીમાર છે;
રૂપાળી સાડીઓમાં રોગતણો ભાર છે;
ડૉક્ટર ડાકુથી શું મોહીએ ? - બહેનબા૦
પેટ પર પાટો, ને ગાલે લપાટો;
રેશનમાં દાળ નહિ ચોખા કે આટો;
દૂધલડાં શહેરમાં ક્યાં દોહીએ ? - બહેનબા૦
ચાંદાની ચાંદાની રંગે ઝબોળતી;
સૂરજની આંખડી સંજીવની ઢોળતી;
એ ગામડે આપણે સોહીએ - બહેનબા૦

તાળીઓનો વરસાદ વરસ્યો એમ કહીએ તો ચાલે. ટીકા શહેરની થાય કે ગામડાની થાય : એ બંનેને માટે તાળીઓ પાડવાની શ્રોતાજનોની સતત તૈયારી હોય જ. દૃશ્ય એક પછી એક વધારે અસરકારક થયે જતું હતું. નૃત્ય નાટિકાની-નૃત્ય-સંગીત-નાટિકાની આ ખિલાવટ ક્યાં જઈને અટકશે એ કહી શકાય એમ ન હતું. આગળ બેઠેલા રાવબહાદુર અને યશોદાબહેન પોતાની પુત્રીની આવડત ઉપર વારી જતાં હતાં - જોકે એણે અને શ્રીલતાએ રંગભૂમિ ઉપર કાંઈ પણ સ્વાંગ ભજવ્યો ન હતો. તેમણે તો કલા - હોંશીલી યુવતીઓ અને કિશોરીઓને પૂર્ણ માર્ગદર્શન કર્યું હતું. અને તેમને જેટલી જોઈએ તેટલી સગવડ આપી હતી.

દૃશ્ય બદલાવાને માટે જરૂરી અંધારું જોઈતું હતું તે અંધારું રંગભૂમિ ઉપર પ્રગટી નીકળ્યું. પ્રકાશની માફક અંધકાર પણ રંગભૂમિ ઉપર પ્રગટે છે. પરંતુ કોણ જાણે કેમ એ અંધારું ધાર્યા કરતાં વધારે સમય સુધી ચાલ્યું અને માત્ર રંગભૂમિ ઉપર જ નહિ પરંતુ શ્રોત્રભૂમિ પ્રેક્ષકગૃહમાં પણ એકાએક અંધારું ફેલાઈ ગયું, સહુને પ્રથમ તો એમ લાગ્યું કે આ અંધકાર કોઈ ભવ્ય દૃશ્યને પ્રગટાવી અલોપ થઈ જશે. પરંતુ નાટ્યગૃહો સહી શકે એના કરતાં વધારે ગાઢ અને લાંબા વખત સુધી અંધારું ચાલ્યું અને શ્રોતાજનોમાંથી ધીમે ધીમે વાતોના ઉદ્‌ગાર અને પછીથી ભયના ઉદ્‌ગાર આવવા લાગ્યા, અને બાળકોએ જરા રોવા માંડ્યું. હજી ભારતનાં માતાપિતા પોતાની પ્રજાને સાથે લીધા સિવાય નાટક-સિનેમાં જોઈ શકતાં નથી. અગર સભા, ગાર્ડનપાર્ટી કે ભોજનવ્યવસ્થામાં જઈ શકતાં નથી. બાળકોએ રડવામાં અને માતાપિતાએ બાળકોને છાનાં રાખવામાં ધીમે ધીમે ઠીક ઠીક કોલાહલ મચાવ્યો.