પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪:સ્નેહસૃષ્ટિ
 

પકડી રાખેલા હાથમાં પોતાના નખ અત્યંત જોરથી ખોસી દઈ શ્રીલતાએ કહ્યું :

‘શો આજનો ભાગ્યશાળી દિવસ… મારે માટે !’

પાસે બેઠેલી જ્યોત્સ્ના ક્યારે ખસી ગઈ અને શ્રીલતા ક્યારે આવી અને ખુરશી ઉપર બેઠી એની ખબર મધુકરને પડી ન હતી. એણે જાણ્યું હોત કે તે શ્રીલતાનો હાથ છે તો તે કદી આમ પકડત નહિ. તેનાથી બોલાઈ ગયું :

‘શ્રીલતા ! બહુ નખ વાગ્યા. લોહી નીકળશે. છોડી દે કોઈ જોશે.’ અને ખરેખર શ્રીલતા અને મધુકરના હસ્તસ્પર્શ નૂતન પ્રકાશમાં કેટલીક કિશોરીઓએ જોઈ પણ લીધા હતા !

સંગીત શરૂ થયું. જ્યોત્સ્ના ફરતી ફરતી મધુકર અને શ્રીલતા પાસે આવીને ઊભી રહી. શ્રીલતાએ જ્યોત્સ્નાને બેસવા માટે ખુરશી ખાલી કરી આપી અને જ્યોત્સ્નાએ તેને કહ્યું :

‘શ્રીલતા ! તું ક્યારની અહીં ભરાઈ બેઠી ?’

‘તું ખસી કે તરત… મધુકર ! આજની અંધકારની ક્ષણ હું કદી ભૂલીશ નહિ. આભાર !’ એટલું કહી તે ખસી ગઈ ને બીજા કામે લાગી.

મધુકરની હથેળીમાંથી ખરેખર એકબે જગાએ આછું આછું લોહી નીકળતું હતું ખરું. રૂમાલ વડે તેને સાફ કરતાં રૂમાલને લાલ ડાઘા પણ પડ્યા. જ્યોત્સ્નાએ પૂછ્યું :

‘મધુકર ! કંઈ વાગ્યું શું ?’

‘અંધકારમાં સહજ !’ મધુકરે જવાબ આપ્યો અને તે પણ ઊઠીને ચાલતો થયો.