પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધુકરનાં લગ્નઃ ૨૭૭
 

આપવાના હતા. માત્ર તેની એક જ શરત હતી, અને તે એ જ કે મધુકરનાં માતાપિતાને લગ્ન પૂર્ણ થઈ જતાં સુધી એ સંબંધની ખબર બિલકુલ આપવી જ નહિ. મધુકરને તેની હરકત ન હતી. એની યોજના ઊલટી વધારે સફળ થઈ. માતાપિતા માગતાં હતાં તે જ માતાપિતાને દૂર કરી મધુકર મેળવી શક્યો. એમાંથી અરધી રકમ પણ તે માતાપિતાને મોકલી શકે તો તેઓ બહુ આનંદપૂર્વક દૂર રહી મધુકરને એકલાં એકલાં આનંદ માણવા દે. જ્યોત્સ્નાને વર્ષ-છ માસ સુધી તો નારાજ કરવાની ઇચ્છા ન જ હોય. પછી તો... જ્યોત્સ્ના એને માર્ગે અને મધુકર પોતાના માર્ગે જઈ શકે એમ હતું. સ્ત્રીઓને માટે બેત્રણ વર્ષમાં બેત્રણ બાળકો સાથે મારી શકાય, તો સ્ત્રી લગભગ જીવનભર પતિની દાસી થઈને જ રહે એમાં શક નહિ. અને જ્યોત્સ્નાની મિલકત પણ એવી આરક્ષક હતી કે તેને જીવનભર દાસત્વમાં રખાય એ જ મધુકરને માટે વ્યવહારુ માર્ગ હતો !... આ વિચાર છૂપો છૂપો પણ મધુકરના હૃદયમાં સ્પષ્ટતા ધારણ કરતો હતો.

પ્રેમ, લગ્ન અને સંતાનોત્પત્તિ એ ત્રણે પરસ્પરથી ક્યાં દૂર હોય છે? સંતાનોત્પત્તિ મુશ્કેલ નથી. સહુથી મુશ્કેલ પ્રેમ મનાય છે, તે તો મધુકરને મળી ચૂક્યો હતો. તેમ ન હોત તો જ્યોત્સ્ના ઉતાવળ કરીને સાત-આઠ દિવસમાં આખું લગ્ન યોજી દે અને તેમાં માતાપિતાની સંમતિ મેળવી લે. એ અશક્ય હતું. પ્રેમ કરતાં લગ્ન વધારે મુશ્કેલ હોય છે. સઘળા પ્રેમ લગ્નમાં જ પરિણામ પામતા નથી; એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત મધુકર પોતે જ હતો. પ્રેમમાંથી લગ્ન ઉપર સીધું જ ઉડ્ડયન થતું હોત તો એ ક્યારનો શ્રીલતાને પરણીને બેઠો હોત. શ્રીલતાના પ્રેમનો આછો સરખો વહેમ પણ હવે જ્યોત્સ્નાને લગ્નની ઉતાવળ કરાવી રહ્યો હતો, એમ મધુકર માની રહ્યો હતો. મધુકરને માટે જ્યોત્સ્નાનો પ્રેમ અને જ્યોત્સ્નાનું લગ્ન બન્ને સરળ નીવડ્યાં અને સફળ થયાં એમ કહીએ તો પણ ચાલે. એકબે બાળકોની માતા થયા પછી જ્યોત્સ્ના સ્ત્રીસ્વભાવ અનુસાર બાળકોમાં જ મશગૂલ રહેવાની ! અને મધુકરની બાહોશી જયોત્સ્નાને રાજી રાખી પોતાને માટે આનંદના અનેક માર્ગો રચી શકે એવી હતી જ. રાવબહાદુરના ધન સાથે. રાવબહદુરના ધનની વ્યવસ્થા સાથે, આનંદના અનેક દરવાજા તેને માટે ખૂલી જતા હતા એમ એ સ્પષ્ટ જોઈ શક્યો.

અને લગ્નનો દિવસ આવી પહોંચ્યો. મધુકરને તો જાણે કોઈ સુંદર સ્વપ્ન સાચું પડતું હોય એમ લાગ્યું. એ સમજતો થયો ત્યારથી તેની એ તૃષ્ણા તો હતી જ કે એ ચબરાક બને. ચબરાક અને ધનિક યુવતીને