પૃષ્ઠ:Snehashristi.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦:સ્નેહસૃષ્ટિ
 

પ્રવેશ કર્યો : સુરેન્દ્ર અને મધુકરે. જ્યોત્સ્નાની ઈચ્છા એકલા સુરેન્દ્રના જ પ્રવેશ પૂરતી મર્યાદિત હતી. પરંતુ સુરેન્દ્રે જે મધુકરને આ કુટુંબમાં સ્થાન અપાવ્યું. જે સ્થાને મધુકર હતો એ સ્થાન માટે એ કેટલો સુયોગ્ય હતો એ મધુકરે જોતજોતામાં પુરવાર કરી આપ્યું. રાવબહાદુર અને યશોદા બંને તેનાથી સતત પ્રસન્ન રહેતાં અને વાજબી સમય કરતાં પણ વધારે સમય સુધી તેને રોકી રાખી કદી કદી જમવામાં પણ સાથે રાખી તેના ઉપરના વધતા જતા સદ્‌ભાવની પ્રતીતિ આપતાં હતાં. એ સદ્ભાવ સતત વધતો રહે એ માટેના રસ્તા પણ ચબરાક મધુકરને ઝડપથી જડી આવતા હતા.

મધુકરના આવ્યા પછી રાવબહાદુરની ‘ઑફિસ રૂમ’ - લેખનખંડ વધારે જીવંત બન્યો હતો. અને રાવબહાદુર ત્યાં વધારે સમય ગાળતા. એક દિવસ પોતાના નામનો મહિમા સાંભળવાના શોખમાં બેઠેલા રાવબહાદુરની સામે મધુકરે વર્તમાનપત્રોની થોડીક કાપલીઓ મૂકી દીધી. રાવબહાદુરે પૂછ્યું :

‘શું લાવ્યા, મધુકર ?’

‘આપની છબીઓ ! આજનાં બધાં જ પત્રોમાં એ આવી છે.’ મધુકર કાપલીઓ છૂટી પાડતાં કહેતો.

‘એમ ? જોઉં !’ કહી રાજી થતા રાવબહાદુર બહુ જ ઉત્સાહપૂર્વક એકએક છબી જોઈ રહેતા. જોકે પોતાને પોતાનું મુખ વારંવાર જોવું ગમતું નથી એમ સહુ કોઈ કહ્યા કરે છે ખરાં !

વર્તમાનપત્રોમાં આવતી છબીઓ ભાગ્યે જ આકર્ષક હોય છે. એનાં બે મુખ્ય કારણો : એક તો છબી પ્રસિદ્ધ કરાવનારનું મુખ સદા સર્વદા આકર્ષક હોતું નથી. પોતાની અંગત આંખ સિવાય બીજાની આંખે પણ રૂપાળી લાગે એવી સોમાંથી બે વ્યક્તિઓ પણ ભાગ્યે જ નીકળી આવે - પુરુષોમાં જ નહિ, સ્ત્રીઓમાં પણ ! એટલે સો છબીઓમાંથી એક જ મુખ છબીમાં જોવું ગમે એવું હોય છે. બીજું કારણ એ વર્તમાનપત્રોના મોટા ભાગને છબીઓ સારી ઊતરે એના કરતાં બીજાં વધારે મહત્ત્વનાં કામો કરવાનાં હોય છે. રાવબહાદુરની બધી જ છબીઓ સારી ન હતી એમ જોનારને ભલે લાગે. પરંતુ રાવબહાદુરને એવું ખાસ લાગ્યું નહિ. તેમણે પોતાની છબીઓ ત્રણ વાર જોઈ અને અંતે મધુકરને તેમણે કહ્યું પણ ખરું :

‘આ છબીઓ યશોદાને બતાવજો.’

‘બતાવી દીધી, સાહેબ !’ મધુકરે ત્વરાથી ઉત્તર આપી પોતાની બાહોશીની એક વધારે છાપ પાડી. ચબરાક માનસ જોતજોતામાં સમજી જાય છે કે મોટા માણસોની કૃપા મેળવવાનો માર્ગ મોટા માણસોના જનાનખાનામાં