પૃષ્ઠ:Snehashristi.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખતપત્ર:૮૭
 

માગે છે કે રાતના સ્ત્રીપુરુષોએ જેમ બને તેમ બહાર ઓછું ફરવું - સ્ત્રીઓએ તો ખાસ કરીને નહિ જ. પરંતુ એ જૂની શિષ્ટતા ઘણી ઘસાઈ ગઈ છે અને નવીન ભણતરે, નાટકસિનેમાએ, હવા ખાવાની નવી આરોગ્યપદ્ધતિએ અને વધતી જતી સ્વતંત્ર ભાવનાએ રાત્રે ફરવા ન જવાની રૂઢિને છિન્નભિન્ન કરી નાખવા માંડી છે.

એમાં રાવબહાદુરનો તેમ જ યશોદાબહેનનો છેક ફાળો ન હતો એમ કહી શકાય નહિ. તેમના યૌવનકાળે તેઓ પણ સંધ્યાકાળે અને રાત્રિએ ઠીકઠીક ફરતાં હતાં, પરંતુ એક પેઢી બીજી પેઢીના બંડનો વિચાર કરતાં પોતાનાં બંડ સઘળાં ભૂલી જાય છે.

અલબત્ત, લાડકી દીકરીને તેઓ વધારે કહી શકતાં જ નહિ, અને જમવા માટે તેની રાહ જોઈને જ તેઓ બેસી રહ્યાં હતાં. એટલે તેમનું વાત્સલ્ય જ્યોત્સ્નાના અનેક દોષને માફ કરી શકે એવું હતું. અને આજ સુધી જ્યોત્સ્નાનું વર્તન પણ એવું હતું કે તેના વર્તનમાં માતાપિતાને કદી દોષ લાગ્યો જ ન હતો. જ્યોત્સ્નાને મોડું આવવાનું હોય ત્યારે તે સ્પષ્ટ કહીને જતી અને પોતાને ક્યાં જવું છે એ સ્થળ બતાવીને જતી હતી. આજ એ બન્ને મર્યાદાઓ સચવાઈ નહિ એટલા પૂરતો જ માતાપિતાએ જ્યોત્સ્નાના વિલંબ માટે ઉલ્લેખ કર્યો.

જ્યોત્સ્ના સમજી તો ખરી, પરંતુ તેને પોતાનો બચાવ કરવાની ઈચ્છા ન હતી અને જરૂર પણ ન હતી. તેના મગજમાં તેણે આજની સાંજે જોયેલાં દૃશ્યો રમી રહ્યાં હતાં. રાત્રે સ્વપ્નમાં પણ તે વારંવાર કઢંગા દૃશ્યોનાં સ્વપ્ન નિહાળતી હતી. પ્રભાત થયું, તે જાગી, તેણે વર્તમાનપત્રો વાંચ્યાં, ચા પીધી, માતાપિતા સાથે વાતચીત કરી, વાંચ્યું. જમી, છતાં હજી તેના હૃદયમાંથી ગઈ રાતનાં દૃશ્યોની છાપ ખસતી ન હતી. ત્રીજા પહોરે તેવા વાંચનને માટે સુરેન્દ્ર આવ્યો ત્યારે પણ જ્યોત્સ્ના ચોપડીમાં નજર નાખવા છતાં ચોટલાખતમાં સપડાઈ જતી ગરીબ પત્નીનું જ દૃશ્ય જોતી હતી. તે વખતે તેને એક ભયંકર વિચાર પણ આવ્યો :

‘પતિને બચાવવા માટે એ પત્નીએ પોતાની જાતને વેચવાનું કબૂલ કર્યું હોત તો ?’

એને ક્યાંથી ખબર પડે કે પતિને જ નહિ પરંતુ માતાપિતાને તેમ જ સંતાનોને ગરીબીના ઘામાંથી બચાવવા કેટલીયે સ્ત્રીઓ પોતાની જાતને વેચાતી આપવા તૈયાર થાય છે !

સુરેન્દ્રને તે આમ તો દરરોજ આવકાર આપતી. આજ સુરેન્દ્રને ‘આવો’ કે ‘આવ’ પણ ન કહ્યું. જ્યોત્સ્નાનું મુખ ગંભીર હતું. સુરેન્દ્ર તેને