પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રણે ઉપરાઉપરી ઊભા હતા. લખમણભાઇના હાથમાં બંદૂક હતી. બંદૂકની નાળી એક ઊંચા મોરચા (બાકોરા)ની આરપાર રાખીને લખમણભાઇ કોઠાની ટોચે એક ઝીના જાળિયા વાટે જોઇ રહ્યો હતો.

"ગયા." કહીને લખમણે બંદૂક પુનાના હાથમાં આપી, પુનાએ વાશિયાંગને દીધી. જીવતા ત્રણ જણાની રચાયેલી નિસરણી વિખેરાઇ ગઇ.

"ત્યાં ઊંચે ચડીને શું કરતા'તા, ભાઇ?"

"નિશાન માંડતો'તો." લખમણે કહ્યું: "તમે અમને હાકલ કેમ ન કરી?"

"મારે તમને છતા નહોતા કરવા. એ બચાડા મને શું કરત? નાનેરો ભાઇ તો મારી પાસે જ છે ને?" એમ બોલીને એણે કમ્મર પરના તમંચાને હાથ અડકાડ્યા.

"ઓળખ્યો એને?" લખમણભાઇએ પૂછ્યું.

"કોણ?"

"મારો બનેવી. કૉલેજમાં ભણેલોગણેલો રામગઢનો કુંવરડો."

"તમારો બનેવી?"

"નહિ ત્યારે? બેનનો ચૂડો આ બંદૂકની નાળ્ય આડે ન આવ્યો હોત તો એ બાપડો કાંઇ આજ ધજાળાને કોઠેથી જીવતો પાછો વળી શકત?"

"પાછો વળ્યો - ભલે વળ્યો: માણસાઇ લઇને વળ્યો દીસે છે."

"કેમ વળી ગયો?"

"ગાભણી સસલીનો પૂરે માસે શિકાર કર્યો. ફાટી ગયેલ ગાભમાં બે બચ્ચાં જોયાં. તેથી કંઇક થઇ ગયુ."

"અરે રાખો રાખો બેન!" પુનાઇએ કહ્યું: "રાજકોટની કૉલેજમાં ભણેલ રાજકુંવરડાને ગાભણી સસલી જોયે માણસાઇ આવે? શું બોલો છો તમે? તો તો ઇલમ શીખવનારા સાહેબોના પત્ય જાય ને!"

"કંઇક થાનકનું સત." લખમણે કહ્યું.

"બેનનો પોતાનો જ દેવતાઇ અંશ એને સૂઝી ગયો." વાશિયાંગે ટીકીટીકીને ઓરતની સામે જોયું.

"બેનના સતના પ્રતાપે તો અમે ઉગરી ગયા. અમે તો આશા મેલી દીધી હતી. હમણાં ઝાટકે આવી જશું, એવી ધારણ હતી."

૯૮
સોરઠ તારાં વહેતાં પાણી