પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાવસાહેબ મહીપતરામને પોતાની સામે ખડા રાખીને ગઇ કાલ સુધી ખુરશીએથી હુકમો કરનાર ફોજદારો એને ઘેર જઇ મુબારકબાદી આપવા લાગ્યા. અને રાવસાહેબે ફોજદારીનો પોષાક ક્યાંથી ખરીદવો, કેટલી બ્રિચીઝ અને કેટલા કોટ કરાવવા, કયા દરજીની કારીગરી રાવસાહેબને શોભશે, તે વિષે વણમાગી સલાહો મળવા માંડી.

પણ મહીપતરામને હૈયે હોશ નહોતા. એના શ્વાસ ઊચા થઇ ગયેલા. સરકારી ખિતાબ તેમ જ કિરીચના કરતાં પોતાના નેકીના બોલની કિંમત એને વધારે હતી. એ વળતા જ દિવસે ગોરા ઉપરી પાસે જઇ સલામ કરી ઊભા રહ્યા.

"ક્યોં નિસ્તેજ હંઇ? રાવસાહેબ!"

"અરજ છે."

"અચ્છા!"

"ગોદડવાળાને મેં બોલ આપીને જીવતો પકડાવેલ છે. એ બોલ મેં સાહેબ બહાદુરના વિશ્વાસે આપ્યો હતો."

"હમારા વિશ્વાસ! કાયકો હમારા વિશ્વાસ? હંઈ?"

"એ પ્રશ્ન પૂછતી વખતે ગોરા પોલીસ-ઉપરીના હૃદયપટ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કારભારની બેઇમાનીની કાળી કથા ચિત્રપટની માફક સરતી હતી. ક્લાઇવથી માંડીને સત્તાવનની એ કાળ-સંધ્યા સુધીનાં જૂઠાણાં, દગલબાજ આચરણો ને નાપાકીની પરંપરા એની કલ્પના પર ચમકી ઊઠી.

"હા જી. મને સાહેબ બહાદુરની નેકીમાં વિશ્વાસ હતો."

"નહિ-નહિ. ટૂમ ઉસકો ઉધર ઠાર ક્યું નહિ કિયા?"

"ઠાર કરત તો એ પાપનું પૂતળું મૂઆ પછી સોરઠનો શૂરોપૂરો દેવ બનત. આપણે તો એને જીવતો પકડીને ભરબજારે એની ઇજ્જત લીધી. એની એકની જ નહિ, તમામ રજવાડાંની પ્રતિષ્ઠાની દાઢો ખેંચી કાઢી. ગોદડવાળો એક તરણું બની ગયો."

"તો અબ?"

"હવે એને જિવાડો. એ સરકારનો ભિખારી બની રહેશે, ને તે દેખી સોરઠના સર્વ રાજાલોક આપોઆપ હીનતા અનુભશે."

૧૦૪
સોરઠ તારાં વહેતાં પાણી