પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરશુરામ લાગ્યો. 'કાંટિયું વરણ' એ નામથી મૂછોના આક્ડા ચડાવનાર મરદો, સંધીઓ, મિંયાણા, ખાંટ,ગધઇ, સપાઇ મકરાણીઓ - જેઓ દરબારને આશરે ભદ્રાપુરમાં આવી રહ્યા હતા તે સહુ ડેલીઓમાં ચોરા માથે, નવીસવી થયેલી પાંચેક હૉટેલોમાં ને ગામ-ઝાંપે સ્તબ્ધ બની ગયા હતા. તેઓની કડીયાલી ડાંગો ને ફૂમકિયાળી છૂરીઓ ઝૂલવું પણ વીસરી ગઇ. દરબારને પણ ગમ ન પડી કે વસતીની આજની સલામો પોતાની સામે નીચી ઝૂકવાનું ભૂલીને આવી તોછડી કેમ બની ગઇ! ને ઊભી બજારે થઇ રહેલી સલામોને મહીપતરામ કેમ ઝીલી રહ્યા હતા? શું આ બધી સલામો પોતાને ભરાતી હતી? - કે મહીપતરામને?

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સમાં (મથકમાં) મોટો મેળાવડો ભરાયો. એજન્સીએ મહીપતરામને સોનાની મૂઠી વાળી કીરીચ બંધાવી. મેળાવડામાં હાજર રહેલા પોલીસ-ઉપરી, આસિસ્ટંટ ઉપરી અને ત્રીજા ઘોડેસવારોના ઉપરી - એ ત્રણે ગોરાઓએ ભાષણો કર્યાં. તેનો જવાબ આપવા ઊભા થનારા મહીપતરામને કશું બોલતાં જ ન આવડ્યું. એણે ફક્ત એટલું જ માગ્યં કે 'ગોદડવાળા દરબારને જીવતા રહેવા દેવાનું મેં વચન આપેલ છે તે સરકાર બહાદુર પાળશે તો મારો બ્રાહ્મણનો બોલ રહ્યો ગણાશે."

પછી સાહેબોએ સિપાઇઓને કહ્યું: "હર એક આદમી કૂછ બોલો." પાલનરૂપે સિપાઇઓમાંથી કોઇકે રગ કાઢીને ગાયું,

છજાં જાળિયાં માળિયાં ખૂબ છાજે

-એ જૂની ગુજરાતી ચોપડીનું દલપત-ગીત. બીજાએ 'ભેખ ઉતારો, રાજા ભરથરી!' વાળું 'ભર્તૃહરિ' નાટકનું ગીત લલકાર્યું. કોઇક બ્રાહ્મણ હતો તે રડ્યોખડ્યો શ્લોક બોલ્યો. દસ રૂપિયાનો દરમાયો પામનાર પોલીસની અને સર્વસત્તાધીશ ગોરા સુપરિન્ટેન્ડેન્ટની વચ્ચે ભેદભાવ ટળી ગયો. ગોરાઓ હસ્યા. સિપાઇઓએ પેટ ભરીને રમૂજ માણી. મહીપતરામને ફોજદારી મળી ને નવા વર્ષના પ્રભાતે 'રાવસાહેબ'નો ખિતાબ મળ્યો.

'રાવસાહેબ'નો ખિતાબ મેળવનાર એક સાધારણ પોલીસ જમાદાર, તે તો સોરઠના જૂના દિવસોમાં અદ્‍ભુતની બીના લેખાતી. આ કિસ્સાની ભભક વિશેષ હતી, કેમકે એ ખિતાબ જીતનાર સીધીદોર મરણિયા સિપાઇગીરી હતી.

૧૦૩
સોરઠ તારાં વહેતાં પાણી