પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

24. સુરેન્દ્રદેવ

હાઇસ્કૂલના મધ્ય ખંડને એક છેડે ઊચું ચણેલું વ્યાસપીઠ હતું. તેના ઉપર રંગાલય ગોઠવાયું હતું. શહેરની નાટક કંપની પાસેથી માગી લીધેલો એક પડદો ત્યાં ઝૂલતો હતો.

ખંડની જમણી બાજુએ બીજી એક ઊંચી બેઠક બનાવી હતી. તેના પર માનવંતા મહેમાનોની ખુરશી હતી.

વચલી બે ખુરશી જરા વધુ ઠસ્સાદાર બની હતી. તેના ઉપર ઠાકોર સાહેબ અને રાણી સાહેબ બેસી ગયાં.

એ જોઇને હેડમાસ્તર આકુલવ્યાકુલ બનવા લાગ્યા. વચલી બે પૈકીની એક ખુરસી પોતે ખાલી રખાવવા માગતા હતા.

ધીરે ધીરે એ બેઠકો પાસે જઇને હેડ-માસ્તરે મીઠો મોં-મલકાટ ધારણ કર્યો, ને કહ્યું: ”મહેરબાન પ્રાંત-સાહેબ પણ પધારવાના છે."

"ઓહો!" ઠાકોર સાહેબ રાજી થયા કે ગભરાટ પામ્યા તે તો એમની મુખમુદ્રા સ્પષ્ટ ન કહી શકી; પણ પોતે રાણી સાહેબની જમણી બાજુ હતા ત્યાંથી ડાબી બાજુએ જઇ બેઠા. ભરપૂર દાઢી અને મૂછોના વાંકડા વળ ચડાવનાર આ ડાંખરો દેખાતો રજપુત પ્રાંત-સાહેબના નામમાત્રથી ઝંખવાણો પડ્યો.

ખુરસીઓની પાછલી હારમાં બેઠેલા બીજા એક પુરુષે આ ગભરાટ પર આછું સ્મિત વેર્યું. એ પુરુષનો પોશાક સાદો પાણકોરોનો ને સાવ સફેદ હતો. એના માથા પર સફેદ લાંબી ટોપી હતી. એના જોડા ઓખાઇ ઘાટના પણ હળવા અને કુમાશદાર હતા. એની ગુલાબી ચામડી પર ખુલ્લાં ટાઢ-તડકાનું મહેનતુ જીવન આછી છાયા પાડતું હતું.

એનું હસવું જરી જોરદાર બન્યું ને જોડાજોડ એના અંતરમાંથી નિઃશ્વાસ પણ ઢળ્યો. ઊંડા કૂવામાંથી ખેંચાઇને મંડાણ પર આવી થાળામાં ઠલવાતા કોસનો જેવો અવાજ થાય છે, તેવો જ અવાજ એ નિઃશ્વાસનો હતો.

ઠાકોર સાહેબે પછવાડે નજર કરી. પેલા પુરુષે ઊભા થઇને બે હાથ જોડી રામરામ કર્યા.

૧૧૧
સોરઠ તારાં વહેતાં પાણી