પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ થયું શું?" એક વિદ્યાર્થી પૂછતો હતો : "હેં પિનાકી, તું કેમ ત્યાં ઊભો-ઊભો થીજી ગયો હતો?"

"મને ખબર નથી." પિનાકી હસીને જવાબ દેતો.

"પણ હવે તારે ફરિયાદ માંડવી જોઈએ હેડમાસ્તર પર."

"શા માટે?"

"ફરિયાદ શું? તારા દાદા તો ફોજદાર છે. બે-ચાર પોલીસોને મોકલી સાલાને ઠમઠોરાવ તો ખરો, દોસ્ત!"

"આપણી બધાની દાઝ તું જ ઉતરાવ ને યાર!"

"પણ તું સોટી ખાતો-ખાતો જ શું ઊભો'તો? કંઈ કહેતો કેમ નહોતો?"

"પૂછ્યા વિના શું કહું?"

"તારે તો પૂછવું હતું કે શા માટે મારો છો?"

"પૂછી ને શું કરવું હતું?"

"હું જો ન્યાયાધીશ હોઉં, તો હેડમાસ્તરને વીણીને કેદમાં પૂરી દઉં."

"હું તો હેડમાસ્તરોના શરીર પર ગોળનું પાણી ચોપડીને મકોડાની કોઠીમાં પૂરી દઉં."

લખી શકાય અને ન પણ લખી શકાય એવી અનેક લાગણીઓની મસ્તીભરી આપ-લે કરતા છોકરા ચાલ્યા જતા હતા, ત્યારે એક બાજુના ફૂટપાથ પર સુરેન્દ્રદેવ ઊભા હતા. તેનું મોં હસતું હતું. તે કોઇની જોડે વાત કરતા હતા.

"છોકરાઓ!" તેમણે કહ્યું : "લડાઈ શરૂ થઈ."

"ક્યાં?"

"વાંદરાઓના ઘરમાં."

છોકરા ન સમજ્યા. સુરેન્દ્રદેવે કહ્યું : "યુરોપમાં"

"એની રજા પડશે?" એક છોકરાએ પૂછી જોયું. હરએક સારોમાઠો બનાવ વિદ્યાર્થીની હ્રદય-તુલામાં એક જ રીતે તોળાય છે : બનાવની કિંમત રજાના દિવસો પરથી અંકાય છે.

"એ તો પડશે, લડાઈમાં ઇંગ્લન્ડનો કોઈક મહાન વાંદરો ખપી જશે ત્યારે."

સુરેન્દ્રદેવ જોડેના બીજા માણસે કહ્યું : "હવે તો જર્મન કૈસરની છાપ

૧૨૦
સોરઠ તારાં વહેતાં પાણી