પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

3. પહાડાનું ધાવણ


કડાયેલા બૂઢા સાથીએ પાછળથી અવાજ કર્યો : "સૂરગ, ગાડાંને ભેરવના નહેરામાં ઊતરવા દે, અધીરાઈ કરીશ મા."

જુવાન પસાયતાએ આ શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો. પણ 'મામાની દીકરી'ને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતું.

આગળ ચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયાં હતાં ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા.

"તને ઊંઘ નથી આવતી, ભાણા?"

"ના."

"કાં?"

"વાતો સાંભળવી છે."

"શેની? દીપડાની ને દીપડા જેવા માણસોની?"

"હા."

"અરે પસાયતા! શું તારું નામ?" અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઊઠી : "ક્યાં મરી ગયા બેય જણ?"

"હે-હે-હે - ખુટલ!" એવા સુરીલા શબ્દો સાથે એકતાલ કરીને ગાડાવાળો પોતાની જમણી બાજુના બળદનું પૂછડું, રાંઢવાને વળ ચડાવે તે રીતે, મરડી રહ્યો હતો.

"એ હેઈ હેવાન!" અમલદારે ગાડાવાળાને પૂછ્યું : "પસાયતા ક્યાં રોકાઈ ગયા?"

"કાંઈ સરત નથી રહી સા'બ! કાં'ક કામ આવી પડ્યું હશે."

"શેનું કામ આંહીં મારગમાં? - અને આ અસૂરી વેળાએ?"

"કાઠી છે ખરાને, સા'બ! એટલે પછેં મારગ, ને વળી અસૂરી વેળા - બેય વાતે ફાવતું આવે ને?"

ગાડાવાળો ઠંડે કલેજે, પછવાડે જોયા વગર, બળદોનાં પૂછડાંને કૂણાં કરતો કરતો અરધું અસ્પષ્ટ એવું કશુંક બોલ્યે જતો હતો.

૧૧
સોરઠ તારાં વહેતાં પાણી