પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સરમુખત્યાર સરીખો, જૂના યુગના ગામડાના ફોજદાર જેવો માણસ સીધી સોટાબાજી કરતાં કેમ ખચકાતો હતો?

કારણ કે ગયા મેળાવડામાં પિનાકીએ એની સોટીને ઝાલી હતી; બીજું તો કશું નહોતું કર્યું. ફક્ત અન્ય વિદ્યાર્થીઓ ઉપર પડતી સોટીને હિંમત કરી પકડી હતી. હેડ માસ્તર કંટા હતા તે સાથે દેશી રાજ્યોની જ શાળાઓમાં નોકરી કરનાર તરીકે વધુ ચકોર હતા. ચેતી ગયા હતા કે કાલે જે હાથે એની નેતર ઝાલી હતી, તે હાથે તે જ નેતરને આંચકી લેતાં વાર નહિ લગાડે; સામી સબોડતાં પણ એ હાથને આંચકો નહિ આવે. શરમનો પડદો આશકોના પ્રણયમંદિરમાં કે શાસકોના સત્તાભુવનમાં, માખીની પાંખ થકી પણ વધુ પાતળો હોય છે : એક વાર ચિરાયા પછી એની અદબ સદાને માટે જતી રહે છે. પિનાકીની આંખના ખૂણામાં ઈશાન ખૂણાની વીજળી સળગવા લાગી હતી, તેટલું આ વિદ્યાગુરુ જોઈ શક્યો હતો ને એને ખબર હતી કે કોઈ વિદ્યાર્થીનો હાથ જે દિવસે એના ઉપર ઊપડશે, તે દિવસથી એની હેડમાસ્તરી ખતમ થઈ જશે. અને તે દિવસથી કાઠિયાવાડની કેળવણી તો એને નહિ જ સંઘરે. તે દિવસથી એને કાં ટ્યૂશનો રાખવાં પડશે, ને કાં રજવાડાની બીજી કોઈ નોકરી શોધવી પડશે.

એટલે એણે મારપીટની પદ્ધતિ છોડી દઈ બીજા જ માર્ગે પોતાનું ખુન્નસ વાળી દીધું અને પિનાકીને કહી લીધું કે અંગ્રેજીના વર્ગો ગુમાવનારને મેટ્રિકનું ફોર્મ નહિ મળી શકે.

"પ્રિલિમનરીમાં પાસ માર્ક મેળવે તો પણ નહિ?" પિનાકીએ સામું પૂછ્યું.

"એ તો જોવાશે - કેવી રીતે પ્રિલિમનરીમાં પાસ થશો તે."

પિનાકી માંડમાંડ પોતાના મનને રોકીને કહેતો રહી ગયો કે 'તમે તો, સાહેબ, પહેલેથી નક્કી જ કરી રાખ્યું છે કે કોને કોને પાસ-નપાસ કરવા.'

બીજા જ દિવસે પાણી પાનાર બ્રાહ્મણ પટવાળાએ હેડ માસ્તર પાસે જઈને ફરિયાદ કરી કે પિનાકીએ પાણીની ઓરડી પર ટંટો મચાવ્યો છે. પોતાની પ્રિય સહચરી સોટીને ઉઠાવતા હેડ માસ્તર પાણીની ઓરડી પર દોડ્યા. પિનાકીના હાથમાં પ્યાલો હતો. પ્યાલો એણે હેડ માસ્તર તરફ ધર્યો. પાણીમાં લીલની પાંદડીઓ તરતી હતી અને ત્રણ પોરા તરફડતા હતા.

છોકરાનું ટોળું તરસ્યાં હરણાં જેવું ચકળવકળ આંખે ઊભું હતું. આખું

૧૮૩
સોરઠ તારાં વહેતાં પાણી