પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેનેટોરિયમ'ની ઉદ્‌ઘાટનક્રિયા થાય છે : દેવેશ્વર મહાદેવના મંદિરનું ખાતમુહૂર્ત ચાલે છે : રત્નાકરને પૂજતી દેવુબા : કન્યાઓને ઈનામો વહેંચતી દેવુબા પુરુષવેશે શિકારમાં - અપરંપાર છબીઓ : દેખી દેખીને દેવુબાએ છાતી ધડૂસી, માથાં પટક્યાં, કપાળ કૂટ્યું. 'વહાલાજી મારા! ઠાકોર સાહેબ!'ને યાદ કરતી એ ઝૂરવા લાગી.

એની મા એને બનાવટી દીકરો ધારણ કરાવવા આવી છે. અઢાર-વીસ વર્ષની દેવુબાને એ પ્રપંચજાળ જાળવી રાખતાં આવડવાનું નથી. પણ એનાં સગાં, એના પાસવાનો, એના ખવાસો, એના કામદારો અને રાજ્યના કૈક મુત્સદ્દીઓ-મહેતાઓ દેવુબાને પોતાની સોગઠી સમજી બેઠા હતા. તેઓની મતલબ દેવુબાને હાથે આ નાટક કરાવવાની હતી. એ નાટક ભજવવાનું જોમ દેવુબામાં રહ્યું નહોતું.

"મને રોઈ લેવાનો તો વખત આપો! અને ચુડેલો વીંટળી વળી હોય તેમ કાં વીંટી છે તમે?"

એવા ધગધગતા બોલ બોલતી એ બાળા એકાન્તનો વિસામો માગતી હતી. પણ રાજમહેલમાં એકાન્ત નથી હોતી. દેવુબાની મેડી દિવસરાત ભરપૂર રહેતી. અંગ્રેજ ઑફિસરના ફરમાનથી છેક એની દેવડી સુધી પહેરેગીરો બેઠા હતા. શોક કરવા આવનાર માણસોમાંથી પણ કોણ હેતુ છે ને કોણ શત્રુ છે તે કળાતું નહોતું. રાણી સાહેબનાં જવાહિર અને દાગીના પણ જ્યારે ગોરા હાકેમના હુકમથી ચૂંથાવા લાગ્યાં ત્યારે દેવુબાને ભાગી જવાનું દિલ થયું.

ભાગતું ભાગતું એનું હૈયાહરણું સીમાડા ઓળંગતું હતું. ઝાંઝવાનાં જળ સોંસરું ધીખતી બાફમાં બફાતું જતું હતું. એની પાછળ જાણે કે ગોરો હાકેમ શિકારી કુત્તાઓનું અને શિકારગંધીલા માણસોનું જૂથ લઈને પગેરું લેતો આવતો હતો. બોરડીનાં જાળાં અને થૂંબડા થોરની લાંબી કતાર એક પછી એક એના હૃદયવેગને રોધતી હતી. જો પોતે ગરીબ ઘરની કોઈ બ્રાહ્મણી હોત તો રંડાપો પાળવામાં પણ એને એક જાતનું સુખ સાંપડત. ભરી ભરી દુનિયાના ખોળામાં એ બેસી શકત, સીમમાં જઈ ખડની ભારી લઈ આવત, છાણાંની ગાંસડી વીણી આવત, આંગણે ગાયનો ખીલો પાળત ને તુલસીનો ક્યારો રોપત, આડોશીપાડોશીનાં બાળકો રમાડીને મન ખીલે બાંધત.

૧૯૫
સોરઠ તારાં વહેતાં પાણી