પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આ તો રાજ-રંડાપો! એના છેડા સંકોડીને હું શી રીતે બેસીશ? હું હવે કોઈની રાણી નથી, કોઈની માતા નથી, કોઈની પુત્રી કે બહેન નથી; હું તો સર્વની શકદાર છું, કેદી છું, ખટપટનું કેન્દ્ર છું, ચુગલીખોરનું રમકડું છું. મારા પ્રત્યેક હલનચલનમાં કોઈક કારસ્તાનનો વહેમ પોતાના ઓળા પાડશે. મારે ઘેર કોઈ રાજકુટુંબી જન ભાણું નહિ માંડે, કેમકે એને ઝેરની બીક લાગશે. હું વ્રતપૂજા કરીશ તો કોઈ કામણટૂમણ કરતી મનાઈશ. મારું આંખ-માથું દુઃખશે તો કોઈ ગુપ્ત રોગનો સંશય ફેલાશે. ક્યાં જાઉં? કોને ત્યાં જાઉં? દેવુબા બહુ મૂંઝાઈ. એને પણ પિનાકી યાદ આવ્યો. બાળપણનો એ ભાંડુ મને રાજપ્રપંચની જાળમાંથી નહિ છોડાવે? કેમ કરીને છોડાવી શકે? એની હજુ ઉમર શી? એને ગતાગમ કેટલી? ક્યાં લઈ જઈને એ મને સંઘરે?

ઢળતી પાંપણોનાં અધબીડ્યાં બારણાંની વચ્ચે પોતાનાં ને પિનાકીનાં અનેક સોણાં જોતી જોતી દેવુબાને દીવાલને ટેકે ઝોલું આવી ગયું.

આઠ જ દિવસમાં તો ગોરા હાકેમે વસ્તીનાં હૈયાં વશ કરી લીધાં. રાજના અધિકારીઓને પણ ગોરો પ્રિય થઈ પડ્યો. મરહૂમ ઠાકોર સાહેબના ધર્માદાઓ તમામ એણે ચાલુ રાખ્યા, નવા વધારી દીધા. નહાવાનો ઘાટ બંધાવ્યો, ઠાકોર સાહેબના નામ પર નવું સમાધિ-મંદિર બંધાવ્યું, બુલંદ કારજ કર્યું, નોકરોને રજા-પગારનાં ધોરણ કરી આપ્યાં, પોલીસની અને કારકૂનોની લાઈનો બંધાવવા હુકમ કર્યો.

અને એ લોકપ્રેમના પાયા ઉપર ગોરાએ યુરોપના મહાયુદ્ધમાં મોકલવા માટે રંગરૂટોને ભરતી કરવાની એક ઑફિસ ઉઘાડી. રાજના લગભગ તમામ અધિકારીઓને એણે 'રિક્રૂટિંગ' અફસરો બનાવી પગાર વધારી આપ્યા ને નવા વર્ષના ચાંદ-ખિતાબોની લહાણીની લાલચો આપી.

એક મહિનાની અંદર તો રાજના બેકાર પડેલા કાંટિયા વર્ણના જુવાનો, માથામાંથી ટોલા પકડાય તેમ, હાજર થવા લાગ્યા ને દેશી અમલદારો પોતાની મીઠી જબાનથી એમનાં કલેજાંને વેતરવા લાગ્યા.

"જો, સાંભળ, ઓઢા ખુમા, દેવરાજીઆ, પીથલ, હોથી, વીરમ - તમે સૌ સાંભળો. તમતમારે બેફિકર રે'જો. ઉવાં તમને કાંઈ લડવા લઈ જાવાના નથી. લડે છે તો ગોરી પલટણો. તમારે તો એ...ય ને લીલાલે'ર કરવાની છે."

૧૯૬
સોરઠ તારાં વહેતાં પાણી