પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

4. વાઘજી ફોજદાર

ભાણો મોટાબાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મહીપતરામ જમાદારના હાથના પોંચા પરના મોટા મોટા ઘાટા વાળને પંપાળવા લાગ્યા હતા. મોટાબાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ-સંચાની માફક ગરમ-ગરમ હતું.

ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહેકારા બંધ કર્યા હતા. બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એણે ભાન ગુમાવ્યું હતું.

એ ચૂપકીદીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું : "એલ્યા એય બેવકૂફ! ઝોલાં તો ખાતો નથી ને?"

"ના, સા'બ."

"આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો, હેવાન?"

"હું શું કરું, સા'બ? બેશી રિયો'તો."

"કાં બેશી રિયો'તો?"

ગાડાવાળો કશું ન બોલ્યો.

"તુંય ગીરનો ખેડુ ખરો કે?"

"હા, સા'બ!"

"ત્યારે તુંય શું પહાડની ભોમને નથી ધાવ્યો? શું કાઠીનો એકલાનો જ ઈજારો છે? આડું લઈને ઊભો ન થઈ ગયો?"

ગાડાખેડુ કણબી દોરી વિનાના ભમરડા જેવો સૂનમૂન હતો. એણે એક જનોઈધારી લોટમગા બ્રાહ્મણની બહાદુરી દીઠી હતી.

મહીપતરામે કહ્યું : "મારો ગુરો કોણ છે, કહું? મારો ગુરુ તારી જાતનો, એક કણબી જ છે."

"એ કોણ હેં મોટાબાપુ?" ભાણાને નવી વાર્તાનો ત્રાગડો મળ્યો.

"એ મારા વાઘજી ફોજદાર - એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યાર પહેલાંના પ્રથમ પોલીસ-અમલદાર. હાથમાં હળ ઝાલેલું, કલમ તો એને પ્રથમ પહેલી મેં ઝલાવી : ને મકોડાનાં ટાંગા જેવી સહી ઘૂંટાવી."

"એણે શું કર્યું હતું, હેં મોટાબાપુ?"

૧૫
સોરઠ તારાં વહેતાં પાણી