પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી ચેતાતાં? ઓ પેલા ખેડૂતો જ્યુબિલી જોવા નીકળ્યા. એ પણ, જુઓ, રંગરૂટોના જૂથની પાસે થંભ્યા. દીવાસળી માગી. ચલમો ચેતાવી. ચલમ એક પછી એક પંદર હાથમાં ફરી રહી છે. પ્રત્યેક મોં એ એકની એક નળીમાંથી કલેજામાં તમાકુના ધુમાડાની ફૂંકો ભરે છે. નાની એવી ચલમની ભૂંગળી આ સર્વની ઉપરછલ્લી વિવિધતાને ભુલાવી અંદરનું એક પણું જગાવે છે. ધુમાડાની અક્કેક સટ તેમના ભેદોને ભૂંસે છે. જો જો : ચાબુક મારનારનો ચહેરો અને ચાબુકના ફટકા ઝીલનારનો ચહેરો, અજાણ્યા બીજા બધા ચહેરા - સર્વ ચહેરા- પર એક જ જાતની રેખાઓ અંકાય છે; એક જ ધૂમ્રલેખા છવાય છે; એક જ લાગણીઓનું વાતાવરણ વણાય છે. તેઓ કોણ જાણે શી વાતો કરતા હશે!

એવાં ચિંતનોની નાવ આ એકલવિહારી દરબારને ભાવિના અસીમ સાગર પર રમાડતી ગઈ. સુરેન્દ્રદેવજી દરવાજા તરફ ચાલતા થયા.

"કોણ છે આ ધોબો?" એક રંગરૂટે પૂછ્યું. પોલીસની એને હવે બીક નહોતી રહી. "વકીલ છે?"

"દરબાર છે." સિપાઈએ બસરાની બીડીઓનો અણધાર્યો લહાવ પેટ ભરીભરીને લેતે કહ્યું.

"ઠેકડી કરવા આવ્યો'તો મામો!"

"ના, ના; તમે જાણતા નથી. ઊંધી ખોપરી છે. સરકારને ગાંઠતો નથી."

"રાજા થઈને શીદ આવા ગામડિયા વેશ કાઢે છે? માનતો કાં નથી?"

"રાજા ને રૈયત - એવા ભેદને એ માનતો નથી. સહુને સરખા ગણે છે."

"ગણ્યાંગણ્યાં સૌને સરખા! મારો બેટો મખીચૂસ હશે. મૂડી ભેળી કરતો હશે. અહીંથી મૂડી જમાવીને મારા દીકરા બધા વલ્યાતે જઈ વાડિયું ને બંગલાની જમાવટ કરી રિયા છે. ભાઈના સમ! અમને આગબોટમાં બધીય ખબરું પડી."

"પણ આમનું એવું નથી."

"ગરાસિયો છે ને? એનાં ઊડાં પેટ તમે ન સમજો." બોલનાર જુવાન પોતાને બડો અનુભવી માનતો હતો.

"લ્યો, હવે હાલોહાલો; ધાન ભેળા તો થાયેં." એક ભૂખ્યા થયેલાએ યાદ કરાવ્યું.

૨૨૫
સોરઠ તારાં વહેતાં પાણી