પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાવ કરો છો?"

સહુનું ધ્યાન ગયું. સોરઠના જૂના રાજાઓની છબીઓ ત્યાં પ્રેતો જેવી ચોંટી હતી. આખું સભાગૃહ ખાલી હતું. પટાવાળો ઝાડુ કાઢતો હતો.

"ના ના, બેસોને!" એક પહેરેગીર પોલીસે આંખના ખૂણા તીરછા કર્યા.

"તમને સહુને મોકલ્યા હોત તો ખબર પડત કે આવાં વેણ અમારાં હૈયાંમાં કેવાં ખૂંચતાં હશે."

આગેવાનનો આટલો ઠપકો પોલીસ પર ઝડપી અસર કરી ગયો. પોલીસનું મોં ઝંખાયું.

પેલા વીસમાંથી એકે ઉમેર્યું: "તમે ને અમે - સૌ ભોળા ભોટ છીએ, સૌ ગામડિયા! ચડાઉ ધનેડાં! કોઈક વાંસો થાબડે ત્યાં તો કટકા થઈ જવા તૈયાર!"

"સાચું કહ્યું." પોલીસને પોતાને વિષે પણ પોરસ ચડ્યો.

"લ્યો, બીડી પીશો?" વીસ રંગરૂટો માંયલા એકે પોતાના ખાખી સાફામાંથી એક થોકડી બીડીની કાઢીને પોલીસની સામે ધરી.

પોલીસ એ બીડી લઈ શક્યો નહિ. એણે પા જ કલાક પર આ જ જુવાનને દરવાજામાં દાખલ થતો રોકતાં રોકતાં પોતે ચાબુક ફટકાવ્યો હતો. ચાબુકની શેડ્ય ઓચિંતી એના ગાલ ઉપર ચોંટી ગઈ હતી. જુવાન જરા ગોરવાર્ણો હતો. એવા ઊજળા ગાલ ઉપર ચાબુકની શેડ્યનો ડાઘ લીલો કીડો જાણે કે ચામડી નીચે પેસી ગયો હોય તેવો દેખાતો હતો.

"લ્યો-લ્યો, પીવો-પીવો; બસરાની બીડી છે." જુવાને પોલીસને આગ્રહ કરીને બીડી આપી. પોતે જ દીવાસળી ઘસી. તેની એક જ જ્યોતમાંથી પોતે, એ પોલીસે ને બીજા ત્રણ-ચાર જણાએ બીડીઓ ચેતાવી લીધી.

પોતાના શબ્દોથી દુભાયેલા આ રંગરૂટોને છોડી સુરેન્દ્રદેવજી થોડે દૂર ગયા હતા. બગીચાની ફૂલવેલીઓ પર હાથ ફેરવતા ફેરવતા એ હજુ આ લોકોને દૂરથી નીરખતા હતા. તેમણે આ લોકોને પોલીસની જોડે એક જ દિવાસળીની જ્યોતમાંથી બીડીઓ પેટાવતા જોયા ત્યારે એનું દિલ વિચારે ચડ્યું : આ નાનું અને રોજેરોજનું દૃશ્ય શું પોતાના હૈયામાં કોઈ આગાહી સંઘરી રહ્યું હતું? એક જ દીવાસળીએ બીડીઓ ચેતાય છે, તે શું ફક્ત બીડીઓ જ છે? હૈયાં પણ

૨૨૪
સોરઠ તારાં વહેતાં પાણી