પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેરડીના રસનાં રામપાતર ભરાઈને આવ્યાં. દ્રાક્ષ, ચીકુ વગેરે કાઠિયાવાડમાં મળવાં દુર્લભ એવાં કૈંક ફળો કેળનાં પાંદડાંમાં પીરસાયાં.

પિનાકી તો આ માનવીની એકેએક છટાને નીરખવામાં તલ્લીન બન્યો હતો. એનું બેસવું, બાજુમાં બંદૂક રાખવી, પાઘડીને નીચે મૂકવી, ચાકુ કાઢીને શેરડીને છોલવી, વગેરે દરેક ક્રિયામાં રસ હતો : શેરડીના સાંઠામાં ભર્યો હતો તેવો જ જીવન-રસ.

રસનું રામપાતર શેઠની સામે પડ્યું જ રહેલું જોઈને સુરેન્દ્રદેવજીએ યાદ કરાવ્યું: "તમે તો પીઓ!"

"ના, બાપુ." શેઠે જવાબ વાળ્યો.

"કાં!"

"નથી ભાવતી. વાયુ ઊપડે છે."

બાગાયત વાવેતરમાં બે કલાક ઘૂમ્યા પછી સુરેન્દ્રદેવજીએ પિનાકીની ગરદન પર હાથ થાબડતે પૂછયું: "કાં ભાણા, ગમે છે અહીં?"

"બહુ જ ગમે છે."

"શું ગમે છે? વધુમાં વધુ કઈ વાત ગમે છે?"

પિનાકી શરમિંદો બન્યો. શેઠ પણ જાણે કે એના જવાબની રાહ જોતા તાકી રહ્યા.

"ખચકાય છે શીદ? કહે, સહુથી વધુ શું પ્યારું લાગે છે?"

"ભરી બંદૂકે રાતભરની ચોકી."

"તારો બાપુજી યાદ આવ્યો કે શું!"

"આ છોકરો ટકશે." શેઠે હસીને કહ્યું: "ચાર આવી ગયા. સોરઠભરમાં મેં કહેવરાવેલું કે જુવાનો મોકલો : મારી ગાંઠના રોટલા ખવરાવી તૈયાર કરું. ચાર આવ્યા. પણ રોજ છાપાં માટે વલવલે, ટપાલના હલકારા માથે ટાંપ માંડીને બેઠા રહે. નોવેલું વાંચે. પંદર દિવસમાં તો ભાગ્યા."

"આ નહિ ભાગે?"

"બનતાં સુધી તો નહિ ભાગે. એનું ધ્યાન આ જિંદગાનીની ખરી ખુમારી ઉપર ઠર્યું છે."

"ત્યારે સોંપી જાઉં છું."

૨૩૮
સોરઠ તારાં વહેતાં પાણી