પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"સુખેથી"

બપોર સુધી સુરેન્દ્રદેવજી અને શેઠ વચ્ચે શાંતિભર વાર્તાલાપ ચાલ્યો. પિનાકીના રુધિરમાં તરવરાટ મચી ગયો. હાલારી નદીના પાણી-બંધ ઉપર ચડીને એણે પણ પાંચાળના જોગંદરો જેવા ડુંગરાઓને નિહાળ્યા કર્યું. એના પ્રાણમાં બાપુજીનો માનસિક તોર જાગી ઊઠ્યો. એણે પોતાની નજીકમાં પીરાણી ઘોડીનો અસવાર રૂખડ શેઠ ઊભેલો જોયો. એની આંખોમાં પહાડો પીને આવતા વાયરાનો મદભર્યો સુરમો અંજાયો. એ હવાની વચ્ચે એકાદ-બે લહેરખીઓ જુદેરી પણ વાઈ જતી હતી : મોટીબા એકલાં થઈ પડશે : દેવુબા કયાં હશે? પુષ્પાને તો હવે નહિ મળાય ને! એનો જીવ ઊંડેઊંડે બળતો રહયો.

સાંજે સુરેન્દ્રદેવજીએ વિદાય લીધી. કહેતા ગયા કે "ભાણા, તારાં દાદીમાની ચિંતા કરતો ના. હું એને સંભાળીશ. તું જીવ હેઠો મેલીને આંહીં શીખજે. આંહીં જ તારી યુનિવર્સિટી, ને આ જ તારો મુર્શદ. બીજું તો તારું ચાહે તે થાવ, પણ તું ગુલામ તો નહિ જ થાય એ નક્કી સમજજે."


51. ખેડૂતની ખુમારી


જ રાતથી પિનાકીનું યુનિવર્સિટીનું શિક્ષણ શરૂ થઈ ગયું. લઠ્ઠ અને લોહીભરપૂર એનું બદન આ મરદ ખેતીકારના હૃદયમાં વસી ગયું. રાત્રીએ એણે પિનાકીને પોતાની સાથે રાતભરને રખોપે ચડાવ્યો.

પહેલો પાઠ પિનાકીને પહેલી જ રાતે મળ્યો. પોતાના માલિકનો બોજ કમતી કરવાના ઇરાદાથી એ ખીંતી પરથી માલિકની બંદૂક ઉતારવા ગયો. એના હાથ પહોંચે તે પૂર્વે તો માલિકે બંદૂકને હાથ કરી લીધી. ઠપકાનો એક શબ્દ પણ કહ્યા વગર જ શેઠ ચાલ્યા, ને પિનાકીને કહ્યું: "ચાલો!"

પિનાકીએ જોઈ લીધું. મુર્શદની મુર્શદી મૌનમાં રહી હતી. બીજે દિવસે પિનાકીનાં અંગો પર બીજું શેર લોહી ચડ્યું. બપોર વેળાએ રાજવાડા ગામની પછવાડે ગોટંગોટ ધુમાડા ઊઠ્યા, ને ઠાંગા ડુંગરની હાલારી ધાર પર ઘાસની

૨૩૯
સોરઠ તારાં વહેતાં પાણી