પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક ગાઉ ફરતી વીડી સળગી ઊઠી.

"એલા, કોની વીડીને દા લાગ્યો?" શેઠે રીડિયા સાંભળીને જાગી જઈ પૂછ્યું.

"આપણી નથી." માણસોએ આવીને કહ્યું.

"આપણી નથી. પણ કોની છે? કયા ગામની?"

"રણખળાના કોળીની, ઇજારાની વીડી. "

"આપણી નહિ, આપણા પાડોશીની તો ખરી ને?"

એમ કહીને શેઠે ખભે બંદૂક નાખી પિનાકીને જોડે લીધો. રસ્તામાં માણસો, ઘોડેસવારો, પગપાળા પોલીસો, ખાખી પોશાકવાળા શિકારીઓ વગેરેની તડબડાટી સાંભળી. એ બધાના રીડિયા અને ચસકા પહાડી ભોમના કોઇ અકાળ ગર્ભપાતની કલ્પના કરાવતા હતા.

એક બાઈ અને બે છોકરાં દોડ્યા આવતા હતા. ત્રણે જણાંનાં ગળામાંથી કાળી ચીસો ઊઠતી હતી.

"શું છે એલાં?" શેઠે પૂછ્યું.

"અમારી વીડી સળગાવી મૂકી."

" કોણે?"

"બાપુએ પોતે જ."

"આપણા બાપુએ? રાવલજી બાપુએ?"

" હા."

"શા માટે?"

"એના શિકારનો સુવરડો વીડીમાં જઈ ભરાણો એટલા માટે."

"એમ છે?" થોડી વાર તો બંદૂકધારીએ ગમ ખાધી. પાછા ફરી જવા એના પગ લલચાઈ રહ્યા. થોડી વાર પછી પોતાના ફરતા પગને એણે સ્થિર કરીને આગળ ચલાવ્યા. ને એની કસોટીનો કાળ આઘો ન રહ્યો. નવલખા નગરથી શિકારે ચડેલ રાજા રાવલજીની મોટર એને રસ્તામાં જ સામી મળી. શેઠે રાજાને રામરામ કર્યા.

ગુલતાનમાં આવી ગયેલ રાવલજી પોતાના વિશિષ્ટ આશ્રિત ખેતીકારને શોભીતો જોઈ મલકતા ઊભા.

૨૪૦
સોરઠ તારાં વહેતાં પાણી