પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીકળી ગઈ, તો પણ પિનાકી જાગ્યો નહિ. ને ગાડું હજુ ચારેક ગાઉ પછવાડે હશે ત્યારે - એટલે કે હાલારી નદીનાં પાણીમાં નમતા સૂરજની ભગવી પિછોડી બોળાતી હતી તે ટાણે - મોટર રાજવાડાના ખેડૂત શેઠને ઝાંપે ભેંસોને ભડકાવતી હતી. ભૂંકણગાડીનું કૌતક હજુ ગામડાંનાં લોકોમાંથી ગયું નહોતું. માણસો ટોળે વળીને એ આશ્ચર્યને નિહાળતાં હતાં.

ને વડલાના છાયડામાં શેઠ આ પરોણાઓને લઈ બેઠા હતા.

"અમે તો એવી ખાતરીથી જ આવેલ છીએ કે આ ઢેઢવાડાને તમે તો નહિ જ સંઘરો." મહેમાનોમાંથી એક જણે કહ્યું.

બીજાઓએ પણ બીજું ઘણું બધું કહી નાખ્યું હતું. અને શેઠ જાણે કે એ તમામ વાતોમાં મળતા થતા હોય તે રીતે મોઢું હલાવતા, જરા મલકાયા કરતા બેઠા હતા.

"છોકરીની ઉંમર કેટલી છે?" આખરે શેઠે પ્રશ્ન કર્યો.

"અઢાર વરસની, પણ સાવ પશુડું!"

"તો તો પછી પત્યું, એને ફાવે એમ કરવા દો ને!" શેઠે જાણે કે કોઇ કાદવના ખાડામાં પથ્થર પછાડ્યો. સર્વ મહેમાનો ચમકી ઊઠ્યા.

"તમે ઊઠીને આમ બોલો છો? હાંઉ! ધરતીનું સરું આવી રહ્યું."

"ધરતીના સરાં એમ ન આવે. ને, ભાઈ, તમે આવતા દિવસની એંધાણી ઓળખો. જુવાનોને છંછેડો મા. હશે, બેય ઠેકાણે પડ્યા."

શેઠ બોલતા હતા ત્યારે એના પેટમાં પાણી પણ હાલતું નહોતું.

"ત્યારે તો તમે એને આંહી સંઘરશો, એમ ને?"

"મારે ત્યાં તો ડાકાયટીઓ ને ખૂનો કરનારાઓ પણ સચવાયા છે."

"ડાકાયટી અને ખૂનને પણ લજવે એવો આ અપરાધ - "

"જુઓ ભાઇ," શેઠે કહ્યું: " મારે ત્યાં તો વનસ્પતિનું જગત છે. મારા આ બે હાથે કૈંક કલમોને આંહીથી ત્યાં ને ત્યાંથી આંહી લાગુ કરી નવાનવા રસ, રંગ, અને ગંધના મેળ નિપજાવેલ છે. હું અખતરાથી ડરતો નથી. મારી દુનિયા નિરાળી છે. હું માનવીના સમાજનો માણસ નથી. મારી દુનિયા ઝાડવાંની છે. હું ય ઝાડવું છું. ઝાડવું બનીને અહીં આવનારનો હું ન્યાતભાઈ છું. હવે ઝાઝી માથાકુટ ન કરાવો."

૨૫૮
સોરઠ તારાં વહેતાં પાણી