પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાંથી હુડેહુડે કરી કાઢ્યાં, ને રાજમાતા છાજિયાં લેતાં લેતાં, છાતી કૂટતાં કૂટતાં એક અદના સિગરામમાં સ્ટેશને પહોંચ્યા! આટલું થયા પછી પણ તમારાં રૂંવાડાં ખડાં થતાં નથી?"

મહેમાનની વાગ્ધારા વહેતી રહી, અને શેઠની આંખો છાપાનાં એક-બે બીજા જ સમાચારો પર ટકી ગઈ:

પ્રવીણગઢના દરબારશ્રીને 'સર'નો ઈલકાબ મળે છે!

"વાંચ્યું આ?" શેઠે પાનું પિનાકી તરફ ફેંક્યું.

વાંચીને પિનાકી ત્યાંથી ઊઠી ચાલ્યો ગયો.

ધોળી ટોપી અને ખાદીના બગલથેલાવાળા મહેમાનો ખાવાપીવામાં ભાતભાતના છંદ કરીને પછી નિરાશ થઈ ચાલ્યા ગયા. શેઠે જે એમ કહ્યું કે "મારે રાંડીરાંડોને ભેગી કરી 'આશ્રમ'ના મહંત નથી બનવું..." એથી મહેમાનો ચિડાયા હતા.

*

રાત 'ઝમ-ઝમ' કરતી હતી. તારાઓ આકાશની છાતીમાં ખૂતેલાં ખંજર જેવા દીસતા હતા. પિનાકી પાણીબંધ પર એકલો બેઠો હતો. એને ચેન નહોતું.

"શું છે?" શેઠે શાંતિથી આવીને એનો ખભો પંપાળ્યો.

પિનાકીએ સામે જોયું એના મોં પર ઉત્તાપ હતો.

"વહુને કેમ છે?" શેઠે પૂછ્યું.

"બહુ કષ્ટાય છે." જવાબ ટપાલીએ ફેંકેલા કાગળ જેવો ઝડપી હતો.

"અહીં કેમ બેસવું પડ્યું છે? ચાલો ઘેર."

"એ નહિ જીવે તો?"

"તો?"

"તો હું શું કરીશ, કહું?"

"કહો."

"પ્રવીણગઢ જઈને હિસાબ પતાવીશ."

"તે દિવસ હું તને નહિ રોકું. પણ એ દિવસને જેટલો બને તેટલો છેટો રાખવા માટે હું તારી મરતી વહુને બચાવીશ. ચાલ, ઊઠ."

પિનાકીને પોતે આગળ કર્યો. નદી-બંધ ઉપર ચંદ્ર-તારા ફરસબંધી કરતાં

૨૬૬
સોરઠ તારાં વહેતાં પાણી