પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક પત્ર

ભાઈશ્રી,

આજના તા. 23-1-37ના ‘ફૂલછાબ’માં હમણા જ અહીં આવી. ગયેલાં સોરઠના એક વખતના પોલીસ ખાતાના વડા સૂટર સાહેબની તસ્વીર મૂકીને આપે વર્ષો પહેલાંની આપની કૂણી સ્મૃતિઓ અંકિત કરી છે.

એ વાંચ્યા પછી એ સચ્ચાઈના નમૂના રૂપ – ખરે જ આજ બોંતેર વર્ષ વટાવી ગયેલા એના ઘરડા ચહેરા પર એની સચ્ચાઈ ઝગારા મારતી હતી – અંગ્રેજી અમલદાર સૂટર સાહેબના દિલમાં બત્રીસ વર્ષનાં વહાણાં વાયા પછી પણ એ કાળની એવી જ મૂળભૂત સ્વરૂપે જીવતી સ્મૃતિઓ ઊછળીને બહાર આવતી નિહાળવાની થોડીક ક્ષણોની સાંપડેલી તકે આ પત્ર લખવા લલચાવ્યો છે. છત્રીસ વર્ષના કાળનાં થર એ સ્મરણોને ઝંખાવી શક્યા નથી. એના દેશમાં રહ્યા રહ્યા એણે પણ સ્મરણો પર બાઝતી કાળની રજને વખતોવખત ખંખેરવાની કાળજી રાખ્યા કરી હશેને? આટલી ઝીણવટથી સ્મરણોની ઝીણવટ કરનાર દિલમાં સચ્ચાઈ અને વાત્સલ્ય વિના શું હોઈ શકે ?

એની સાથેના 50 મિનિટના વાર્તાલાપમાં આપનો અને આપના પિતાશ્રીનો ઉલ્લેખ થયેલો. એ વાર્તાલાપનો આવડ્યો પરિચય આપને આપવાનું આવશ્યક લાગ્યું. આપના દિલમાં સ્મૃતિઓએ દોટા દોટ કરી મૂકી એવી રીતે તો નહિ જ બલકે તેથી જુદી જ રીતે મેં એ વૃદ્ધ અંગ્રેજની, પણ જૂની યાદો દોડતી નિહાળી. જાણે સ્મરણોની હારમાળા ગોઠવાણી હોયની ! એના બુજર્ગ શ્વેત કેશ ધીમા પવનમાં ફરફરતા રહ્યા ને સ્મરણો રજૂ કરવાની શરૂઆત થઈ.

હું તો એની પ્રત્યેક વાતે વધારે ને વધારે તાજુબ થતો રહ્યો. ચાલીસ વર્ષ પહેલાના કડક લેખાએલા આ પોલીસ ખાતાના અમલદારે પારકા પ્રદેશ સાથે કેટલા બધા પોતાપણાના ભાવથી હૃદય જોડી દીધું છે એની પ્રતીતિ એની ઝીણામાં ઝીણી બાબત જાણવાની ચીવટમાં વારંવાર ચમક્યા કરતી હતી. વર્ષોથી અમારા ઘરમાં એની છબી લટકી રહી છે. એની

૨૭૪
સોરઠ તારાં વહેતાં પાણી