પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહી દીધા.

તુરત એ સ્ત્રી મહેમાનોને મળવા નીચે ફળીમાં ઊતરી. ઊતરતી વેળા એના દેહને ઘાઘરા-ઓઢણીની સાગર-છોળો વીંટતી હતી.

"સજુ, આંહીં આવ." કહીને એણે એક બીજી સ્ત્રીને ઘરમાંથી બોલાવી ને થોડી વારમાં તો મહીપતરામના પત્ની પોતાની શબવત પુત્રી તથા ભાણા-ભાણી સહિત ઓરડામાં પહોંચ્યા. ઢોલિયા પર ગાદલું પથરાયું, તે પર બીમાર પુત્રીને સુવાડવામાં આવી ને એક નાનો મજુ (કબાટ) ઉઘાડ્યો. એક સીસો બહાર આવ્યો ને બૂચ ઊઘાડતાં માદક સોડમ હવામાં જાણે કે કેફના થર પર થર ચડાવવા લાગી.

"બોનના કપડાં ખોલી નાખો." ઘરની સ્ત્રીએ આદેશ આપ્યો.

"એ શું છે?" મહીપતરામનાં પત્નીનું નાક ફાટતું હતું.

"દવા છે."

"શું નામ?"

"નામનું અત્યારે કામ નહિ બા!" કહેતી જુવાન ઘર-નારી એ અચેત શરીર પર શરીર પર પ્રવાહીની અંજલીઓ ઠાલવતી માલિસ કરવા માંડી.

ભાણો ત્યાં સ્તબ્ધ ઊભો પોતાની મૂર્છિત માને લેપ કરી રહેલ મનુષ્યાકૃતિનું દર્શન કરતો હતો.

“છોકરી સજુડી!” લેપ કરતી સ્ત્રીએ કહ્યું : “જા, કૂવામાંથી ચોખ્ખા પાણીનો એક ઘડો ભરી આવ.”

પાણી આવ્યું. ચોખ્ખા પ્યાલામાં પાણે ભરી, તેમાં દશ ટીપાં દવાના રેડીને એણે પ્યાલો મૂર્છિતમાં મોંએ માંડ્યો.

“અરે અરે બેન!” પુત્રીની માએ હાથ માંડ્યો.

“કાં?”

“દારૂ! નહિ, મારી દીકરીનું ઉજજવળ ખોળિયું ના અભડાવો.”

“ચૂપ રહો, મા! ચૂપ! અત્યારે એને શુદ્ધિ નથી. પછી તીરથ કરાવજો ! અત્યારે તો એને બચાવવાની જ એક વાત કરો.”

પેઢાનપેઢીથી મદિરાને આસુરી પીણું માનતી આવેલી ને મદિરાના સ્પર્શ માત્રમાં પણ નરકવાસની અધોગતિ સમાજનારી માતા ચૂપ બેસી રહી.

૨૩
સોરઠ તારાં વહેતાં પાણી