પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કંઠમાં અષાઢી વીજના કડાકા રચતો હતો.

મહીપતરામે દોહિત્રને કહ્યું : “ભાણા, આમને જોયા? એ કોણ – ખબરાં છે?”

"કોણ?"

“એ જ પેલા દીપડો ચીરી નાખનાર રૂખડ શેઠ.”

ભાણો નવી નજરે નિહાળી રહ્યો. એની પ્રથમ-પહેલી નજરા હંમેશા માણસના શરીરના ખુલ્લા ભાગો પર ઉગેલા વાળના જથ્થા પર પડતી. મોટા બાપુજીના પંજા ઉપર લાંબા રોમ હતા, તેથીયે વધુ ઘાટી, લાંબી રોમવાળી એણે રૂખડ શેઠના હાથના પોંચા પર દીઠી. ને પાદરની નેળમાં ગાયો વાળા જુવાના લખમણભાઈ મળેલા, તેમની છાતી ઉપર પણ આટલી બધી ઘાટી રોમા-ઘટા નહોતી.

“ને હેં, મોટાબાપુજી, ત્યાં અંદરના ઘરમાં કોણ છે?”

“કોણ છે?”

“બાને એણે જ બોલતાં કર્યા. એની બંગડીઓ વગડે છે તે મને બહુ ગમે છે. એવા સરસ કપડાં મારી બા પહેરેને તો કેવાં સુંદર લાગે! આપણને બહુ જ ઓળખતા હોય ને, તેવી રીતે એ તો હસીને બોલે છે.”

રૂખડા શેઠનું મૂછેભર્યું મોં પોતાના શરમિંદા મલકાટને દાઢી-મૂછના કેશ હેઠળ છુપાવતું હતું. એની ઉંમર હજુ ત્રીસેક વર્ષની હશે, પણ ચાળીસની પૂરી મરદાનગીએ એ જુવાનને એક દસકો વહેલેરો પોતાનો કરી લીધો હતો. એણે ત્યાંથી ઉઠી ગમાણ તરફ પ્રયાણ કર્યું : “એલા છોકરા, કાંગલી દોવાઈ રહી કે નહિ?” એનું જવાનું બહાનું હતું. એનાં ઓખાઇ પગરખાં, ધાબો કૂટતી પોરબંદરી ખારવાણના ધોકાની પેઠે ધરતી પર પડતાં હતાં.

“કોણ હશે?” અમલદારે નજીક બેઠેલા કોઈ આદમીને પ્રશ્ન કર્યો.

આદમીએ ધીમેથી કહ્યું : “શેઠના ઘરમાંથી બાઈ પોતે જ છે. જાતે સપારણ છે. ડાયું માણસ છે, આમ હજી અવસ્થા છોટી છે.”

૨૫
સોરઠ તારાં વહેતાં પાણી