પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊભો રહી પસાયતાઓને હાકોટા પાડી ચોરેથી બોલાવતો. પસાયતા પટેલને શોધી પાડતા. પટેલ વેઠના વારાની ચિઠ્ઠીઓ તપાસતો. તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી. પછી ખેડુ પોતાના સાંતીએ જોતરેલા બળદોને એક ગાઉ પરના ખેતરેથી ગામમાં લાવવા જતો. તે પછી અમલદારનો પૂત્ર આગળ પ્રયાણ કરતો.

પરંતુ મહીડા ગામથી પિનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું.

મધ્યમ ઊંચાઇની, કેસરવરણી, બાંધી ગરદન પર ભૂરી કેશવાળી ઝુલાવતી ને કાનોટી માંડતી ઘોડીને નિહાળતાંની વાર જ પિનાકીના દિલમાં કશોક સળવળાટ ઊઠ્યો. ઘોડીનાં લાદ-પેશાબની સોડમ પણ એને સુખદાયક લાગી.

ઘોડીની પીઠ બાજઠ જેવી હતી. તે પર ચારજામાનું પહોળું પલાણ હતું. ચારજામા ઉપર પોચી ગાદી હતી. બાર વર્ષના પિનાકીને જાણે કે ઘોડીએ ક્રીડા રમાડવા પીઠ પર લીધો. રેવળ ચાલમાં ચાલતી ઘોડી સરોવરનાં બાધ્યાં નીર પર વહેતી નાવડીની ચાલમાં ચાલતી હતી. પસાયતાને તો ક્યાંનો ક્યાં પાછળ છોડી દઇ ઘોડીએ થોડી જ વારમાં પિનાકીને પેલાં હસતાં સફેદ ચૂનાબંધ મકાનો દેખાડ્યાં: ને છૈયાને તેડીને મા ઊતરે તેવાં સાવચેત ડગલાં ભરતી ઘોડી ઘૂનાળી નદીના ઘૂઘવતા પ્રવાહને પાર કરી ગઇ.

વટેમાર્ગુઓ ઘોડીને નિહાળી રહેતા, ઓળખી લેતા ને નિઃશ્વાસ છોડી અર્ધસ્પષ્ટ ઉદ્‍ગારો કાઢતાઃ "વાહ તકદીર! આ ઘોડી કેવી પરગંધીલી હતી! મૂછાળો છેલ શેઠિયો એકલો જ એનો ચડનારો, અને ખેલવનારો હતો. આજ એ જ રાંડ ટારડી બનીને વેઠે નીકળી. હટ નિમકહરામ!"

"અરે, લોંડી કાંથી આઇ?" હડમાનજીની જગ્યાના બાવાએ ફરી એક વાર ઢોરા ચડી ચલમના દમ દેતાદેતાં જોયું ને તિરસ્કારથી હસતાંહસતાં કહ્યું,

“હે-હે ગધાડી!" કલાલ રંગલાલ પણ પીઠાના ઓરશામાંથી બોલ્યો,

"મર રે મર, નુગરી!" ઠાકરદ્વારના પૂજારીએ ઘોડીને ફિટકાર આપ્યો.

"એને માથે કોઇ પીરાણું નહિ હોય." જલામશા પીરના તકિયામાંથી ગોદડિયા સાંઇએ ઉદ્‍ગાર કાઢ્યા.

૨૯
સોરઠ તારાં વહેતાં પાણી