પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંગોપાંગ પહોંચતા હતા. એના જવાબમાં મહીપતરામ પોતાના માણસોને કહેતા હતા: "જોયું? મેજિસ્ટ્રેટ ઊઠીને કહે છે કે, ખૂન થઈ જાશે-ખૂન! છે અક્કલ! જો, માજિસ્ટરી ઉકાળે છે કૉડો! જો, સરકારનાં માટલાં ઊંધાં વળી ગયા!"

- ને ઘરમાં પિનાકી મોટીબાથી છાનો-છાનો કેસર ઘોડીને માટે એક મોટી તાસકમાં બાજરાનો આખો ડબો ઠાલવતો હતો.


9. શુકન

દીપડીઓ વોંકળો થાણાની ભેખડને ધસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઇ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને ચાર-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે.

પ્રભાતનાં તીરછાં કિરણો દીપડીઆના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળ-કણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી.

થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા મારણ કરીને ધરાઇ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઉતરતા, તે ઉપરથી એ વોકળાનું નામ દીપડીઓ પડ્યું હતું.

રાતભર દીપડીઓ જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઇ ગાંડા થઇ ગયેલા રબારીના રોવા જેવું હતું.

સામે કાંઠે શિયાળોની દુત્તી ટોળી રોવાનો ડોળ કરી, કોણ જાણે કેવીય જીવનમોજો માણતી: કેમ કે હવાલદાર તથા ઘોડેસવાર-નાયકનાં કૂકડામાંથી હંમેશનાં એક - બે ઊપડી જતાં. હડકાઇ થયેલી એક શિયાળે હમણાં હમણાં આખો વગડો ફફડાવી મૂક્યો હતો.

આઘે-આઘે ઘૂનાળી નદી રોતી. રાતના કલાકે કલાકે સંધાતી

૩૪
સોરઠ તારાં વહેતાં પાણી