પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાનમાં એરિંગો તો ચિરાઇ ઉતરડાઇ ગયેલી ચામડી જેવાં લબડે છે!

રૂખડ શેઠની ઘોડી બે દિવસ રોકાવી રાખી પોતે સવાર-સાંજ ગંગોત્રીના ઘૂનામાં પાણી પીવા જતો. ગંગોત્રીનો કૂવો આખા ગામને માટે પીવાનું હળવું પાણી પૂરું પાડતો. નદીઓ ત્યાં ત્રણ ત્રણ છતાં પીવાને માટે અણખપની હતીઃ કેમ કે એ તો હતી ગીરની વનસ્પતિનાં મૂળિયાંના અનેક રોગો ચૂસીને ચાલી આવતી નદીઓ.

ગંગોત્રીનો કૂવો નમતા બપોરથી ગાજવા લાગતો. એની ગરેડીઓ પર તસુતસુ ઊંડા કાપા પડી રહેતા. પાણિયારીઓની કતાર ગંગોત્રીના આંબાવાડિયાને ગામ તેમજ થાણાની જોડે તાંબા-પિત્તળની હેલ્યોની સાંકળીએ બાંધી લેતી. બધાં જ ત્યાં આવતાં, તો પછી પુષ્પાને એકાદ ગાગર માથે માંડી ત્યાં આવતાં શું થઇ જતું હતું! અમલદારની દીકરીને માટે શું એ મજાની મનાઇ હતી?

ગંગોત્રીના કુંડ ઉપર તે દિવસે બપોરે ધોણ્ય ધોનારાઓનો ડાયરો મચ્યો હતો. પોલીસોના ધીંગા પોશાકની ધોણ્‍ય, ગામડાંનાં કોળી શકદારો જેવી, ધોકાના માર વગર માનતી નહોતી. ધોતાં ધોતાં વચ્ચે વાતો ચાલતી હતીઃ

"દાદુ સિપાઇની બાયડી તો ગજબ જોરાવર, ભાઇ!"

"કાં?

"ગંગોત્રીને ઘૂને એણે તો મગરને મીણ કહેવરાવ્યું."

"શી રીતે?"

"બકરી લઇને ધોવા આવી'તી. પોતાનું ધ્યાન ધોવામાં ને આંહીં બકરીએ બેંકારા દીધા. જોવે તો બકરીના પાછલા પગ ઘૂનાની મોટી મગરના ડાચામાં, ને મગર ખેંચવા જાય છે પાણીમાં, ત્યાં તો દાદુની વહુ પોંચી ગઇ. 'અરે તારાં વાલાં મરે રે મરે, નભાઇ!' એમ કરતી ઇ તો બકરીના આગલા પગ લઇને મંડી ખેંચવા. ત્યાં તો મગરની હારે રસાકસીનું જુદ્ધ મંડાઇ ગયું. આખરે મગરે થાકીને બકરી મેલી દીધી. એવી લોંઠકી દાદુની વહુ!"

"એવો જ એક પાઠ આવે છે અમારે પાંચમી ચોપડીમાં." ગંગોત્રીને કાંઠે કપડાં ચોળતાં બેઠેલા ગામના સ્કૂલ-માસ્તર બોલ્યા.

"પણ માસ્તર," થાણદારનો પટાવાળો તુળજારામ બોલ્યો: "છોકરાંના

૩૮
સોરઠ તારાં વહેતાં પાણી