પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

- એ રાસડો ગવરાવીને પુરાનપુરના આધેડ કારભારીની પથારીમાં સ્થિતિ પામવા જેટલી આકર્ષક આ વેઠિયાણી કદાપિ હોઈ શકે.

પિનાકીએ જોયું તો પસાયતો પણ બદલાયો હતો. આ નવા પસાયતાએ પોતાની તલવાર ચામડાના પટા વડે ખભા પર નહોતી લટકાવી, પણ પછેડી લપેટીને બગલમાં દબાવી હતી. એનો અવાજ સ્પષ્ટ હતો : "તમારા ઢેંઢુના તો બરડા જ ફાડી નાખવા જોવે. ઢેઢાં ફાટ્યાં : કોઈ નહિ ને ઢેંઢાં ફાટ્યાં!"

"ફાટ્યાં છે - અમારાં લૂગડાં ને અમારાં કાળાજાં! હવે એક ચામડાં બાકી રહ્યાં છે, તે ફાડી નાખો, દાદા!"

પગના વેગને લીધે હાંફતા-હાંફતા ટેકો લેતા-લેતા એ બાઇનો જવાબ સીમના કલેજામાં કોઇ સજેલી કટાર જેવો ખૂંતતો હતો.

"ચામડાંય ફાટશે - જો એક હાક ભેળાં હવે વાસમાંથી બહાર નહિ નીકળો તો." પસાયતો પણ ખાસડાં ઘસડતો ઘસડતો એવા જ ઘસડાતા અવાજે બોલ્યો હતો.

"શું કરીએ બાપા? બીજા કોઇ હોત તો નોખી વાત હતી; પણ તમે તો ગામના ગરાશિયા રીયા."

"બીજાને જવાબ આપો એવા તમે ઢેઢાં નથી, એટલે જ સરકાર અમને ગામેતીઓને પસાયતું આપે છે ને!"

'તમે તો, આપા આલેક, બધુંય જાણો છો." બાઈ વિરોધ છોડીને કરૂણા ઉત્પન્ન કરવા લાગી. "મેં તો આ મારી છોડી પેટમાં આઠમો મહિનો હતો તોય મારો વારો ખેંચ્યે રાખ્યો'તો. હું કાંઈ ગોમતી જેવી દગડી ન'તી. એણે તો ચારમે મહિનેથી જ હાડકાં હરામનાં કર્યાં હતાં. એક વાર એક ફુલેસ બદલીએ જાય : એનું બચકું વહેવાનો વારો આવ્યો. ગોમતીએ એના દસ વરસની છોકરીને કાઢી. હવે છોડી તો છે રાંડ ખડમાંકડી જેવી : બે ગાઉ કાંઈ બોજ ખેંચી શકે? રસ્તામાં મારે પીટ્યે ફુલેસે પણ કાંઇનાં કાંઇ વાનાં કર્યાં. છોડી આજ લગણ કરગઠિયા વીણવા જેવીય નથી થઇ."

"તમે તો, ઢેઢાં, ફુલેસ પાસે જ પાંસરાં દોર : બંદૂકનો કંદો દેખ્યો કે સીધાં સોટા જેવાં!" પછી એણે અવાજ ધીરો પાડીને, પિનાકી ન સાંભળે તેમ ઉમેર્યું : "અમારી ભલમનસાઇને તમે ન માનો..."

૫૨
સોરઠ તારાં વહેતાં પાણી