પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચણીબોરના ગોળા રાતા ટબામાંથી ઉપડેલા વિચારો બે વર્ષોના ભૂતકાળ પર કૂંડાળું દોરીને પાછા વળ્યા ત્યારે પસાયતા ને વેઠિયાણી તેને આંબી ગયાં હતાં.


14. વેઠિયાં


બાઈની એક બગલમાં બેઠું-બેઠું- નહિ, લબડતું - એક દસેક મહિનાનું છોકરું, બાઈના સુકાઈ ચીમળાઈ ગયેલાં, કોઈ બિલાડાએ ચૂંથી નાખેલ હોલા પક્ષી જેવા સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઇએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંઢોણીની બેઠકે ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી જ ચોડેલી મેલી કોથળી જેવું, બીજી બાજુ લબડતું હતું. ભેખડગઢ થાણાની થાણદાર કચેરીની ચૂનો ઉખડેલી અને ઉંદરોએ ગાભા-ગાભા કરી નાખેલી છત જેવું બાઇનું કપડું હતું. એના ગાભા જાણે કે જીભ કાઢી કાઢીને કહેતા હતા કે એક દિવસ અમેય ભાઇ, રાતી અટલસના સૂરતી કારીગરોએ ઠાંસી ઠાંસી વણેલા ત્રાગડા હતા. એ તો આજે અમારો આવો દિનમાન બની ગયો છે.

બાઇનો ઘાઘરો, ઘૂંટણ ઉપરવટ ખોસેલો, બાઇના ઝટપટ ઊપડતા પગના ઠોંસા ખાતો હતો. ને માથે ઓઢવાનું બાઇને હતું કે નહિ તે ખાસ યાદ કરવા બેસવું પડે.

એ ઘાઘરાને અઢાર હાથનો ઘેર હતો, ને એ ઘેર નાગનાથના મેળામાં રાસડાની સાગર-લહેરો લેતો, તે કોઇ પ્રાચીન ભૂતકાળની વાતો - લોકભાષામાં 'વે'લાની વાતું' - કહીને યાદ કરી શકાય. ને પ્રખર પુરાતત્ત્વનો વિજ્ઞાની પણ કદી એમ કહેવાની હામ ન ભીડી શકે કે એક વખત નાગનાથને મેળે,

દેતા જાજો રે તમે દેતા જાજો!
મારી સગી નણંદના વીરા!
રૂમાલ મારો દેતા જજો!

૫૧
સોરઠ તારાં વહેતાં પાણી