પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘આ પસાયતો અને આ વેઠિયાણી પણ એવો જ કોઈ અવતાર પામશે!’ એવું કલ્પતો પિનાકી મનમાં રમૂજ પામતો હતો. કેરડાંનાં ગુલાબી નાનાં ફૂલ રસ્તાની બેઉ કાંઠેથી એની સામે હસતાં હતાં. કાઠીઓનાં પડતર ખેતરો વચ્ચે બોરડીના જાળાં લાલ ટબા-ટબા ચણીબોર દેખાડીને પિનાકીને રમવા આવવા લલચાવતા હતાં. એ વિચારે ચડ્યો :

આ ચણીબોર વીણવા માટે મોટીબા અને બાપુજીની ચોરીછૂપીથી હું દીપડીઆને સામે પાર કોઈકની જોડે જતો હતો.

કોની જોડે?

સાંભર્યું : દાનસિંહ હવાલદારની દીકરી દેવાલબા જોડે. આ વખતની રજામાં મેં દેવાલબાને બહુ થોડી જ દીઠી. એની કોટડીની ઓસરીમાં ખપાટની જે જાળી છે, તેના આડા કંતાનના પડદા ચોડી નાખેલ છે. હું એક-બે વાર ત્યાં ગયેલો; પણ દાનસિંહ હવાલદારના દીકરા-વહુને મેં ‘ભાભી’ શબ્દે બોલાવી તે દેવાલબાની માને ના ગમ્યું, એણે મને કહ્યું કે, અમારામાં ‘ભાભી’ કહેવાની મનાઈ છે. સગો દિયર પણ ભાઈની વહુને ‘બોન’ કહીને બોલાવે. આવું બન્યા પછી મને ત્યાં જવાનું દિલ નથી થયું. પણ દેવલબા મારાથી નથી ભૂલાતાં. આ વખતે તો મેં સાંભળ્યું કે એના ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યા છે, ને એને લઈને એના માબાપ વિક્રમપુર શહેરમાં પણ જઈ આવ્યાં. એને માટે શી દોડાદોડી થઈ રહી છે!

બે વર્ષ પર તો હું અને દેવાલબા બેઉ એનાં માબાપની જોડે દરિયાકાંઠે નાગનાથને મેળે ગયા હતાં. પૂનમની રાતે ગાડું ચાલતા ધોળિયા જેવું લાગતું, ને કાગાનીંદરમાં હું દેવાલબાની માનાં ગાણાં સાંભળતો. દાનસિંહે નાં કહેવામ છતાં એની વહુ ‘મારાથી ગાયા વિના નહિ રહેવાય - આજ તો નહિ જ રહેવાય!’ એવો જવાબ દઈને સીમાડાને લીપી નાખતાં સૂરે ગાતાં હતાં કે –

ચાંદા પૂનમ – રાત અગરચંદરણ રાત :
અણસામ્યાં અજવાળાં ક્યાંથી ઊભરે?

આકાશની ઝાલાર જેવો ચાંદો દેખી મને એના ઉપર ડંકા બજાવવાનું દિલ થયેલું. નાગનાથ પહોંચી બાકીની રાત અમે બેઉ જણાં ગાડાની નીચે એક જ છાપરે સૂતેલાં.

૫૦
સોરઠ તારાં વહેતાં પાણી