પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેખતાં જ રૂપિયો ચૂકવ્યો. ભાણો કોઈ પણ રીતે દૂધપાકનો પ્રસંગ વિસારે પાડે એવું કરવાની એમની નેમ હતી. પત્નીને એ કહેતો કે, “મેં તો ઘણાયના નિસાસા ને પૈસા લીધા છે; પણ આ દૂધપાકના દૂધનો સાવ નજીવો બનાવ મને જેટલો ખટકે છે એટલા બીજા પૈસા નથી ખટકતા.”

પિનાકી જાય છે તેની વ્યથા મોટાબાપુને અને મોટીબાને ઊંડે ઊંડે થતી હતી. મોટીબા પેંડાનો ડબો ભરીને એ વ્યથાને મટાડવા મથતાં હતાં. રખે ક્યાંક રોઈ પડાય એવી બીકે એ પિનાકીને તાડૂકી-તાડૂકીને ચેતવણી આપતાં હતાં કે, “રોજ અકેકો પેંડો ખાજે. ભાઈબંધ-દોસ્તારોને રોજ રોજ ભેગા કરીને ખવરાવી દેતો નહિ. કોઈ કોઈ વાર જ બીજાને આપજે. દાનેશ્વરી કરણ થતો નહિ.”

ને પિનાકીએ બરાબર પેક કરી લીધેલી ટ્રંક પણ મોટાબાપુએ ફરી વાર ઉખેળી છેક તળિયેથી બધી ચીજો નવેસર ગોઠવી આપી.

ધૂનાળી નદીને સામે કાંઠે ચડીને પિનાકીએ પાછળ નજર માંડી. સફેદ મકાનો દૂર ને દૂર પડતાં હતા.. .. મોટીબાને કામ કરવાનું સૂઝતું નહિ હોય. દાદાને, ભગવાન, ઘણાં વર્ષ જીવાડજો! નહિતર મોટા-બાપુનો ગરમ સ્વભાવ મોટીબાને બાળી નાખશે!

-ને ઘૂનાળીના શીતળ વાયરાએ એની આંખનું એક આસું લૂછયું.

પહેલું ગામ વટાવી પોતે આગળા વધ્યો. તે પછી થોડી વારે એણે પોતાની પાછળ સાદ સાંભળ્યો. સાથે આવતો પસાયતો ભાણાભાઈને ટ્રંક માટે વેઠિયો બદલાવવા રોકાઈ ગયો હતો. આ વખતે એ ટ્રંકને ઊંચકનાર કોઈ બાઈ માણસ જણાયું. પિનાકીએ ઘોડીને ચાલ ધીરી પાડી.

પસાયતાની અને એ બાઈની વચ્ચે કશીક ગરમાગરમ વડછડ ચાલતી હતી. માર્ગમાં બેઉ બાજુએ લેલાં પક્ષીઓને પણ અંદર અંદરની એવી જ કોઈ તકરાર મચી ગઈ હતી. સેંકડો લેલાં જ્યાં ને ત્યાં, બસ, સામસામાં ‘તેં-તેં-તેં’ અવાજ કરીને એક જૂની લોકકથાને તાજી કરતાં હતા : ઘણે દિવસે મળવા આવનાર એકના એક ભાઈને પોતપોતાના ઘેર ખેંચી જવા મથતી સાત બહેનોએ એ ખેંચાખેંચીથી ભાઈનું મોત નીપજાવ્યું, અને પછી ‘તેં માર્યો......તેં માર્યો...તેં-તેં-તેં’ કરી એકબીજીનો દોષ કાઢતી એ બહેનો મરીને લેલી પંખણીઓ સરજાઈ છે.

૪૯
સોરઠ તારાં વહેતાં પાણી