પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા; એને બીજું કોણ લઈ આવે?"

"નાલાયક! " મહીપતરામે ડોળા ફાડ્યા. "ભણી ઊતર્યો એટલે પરદુ:ખભંજન થઈ ગયો!"

શિરસ્તેદારે રાવટીમાં જઈ સાહેબને અરજીનો કાગળ આપ્યો; અને અરજદારને 'ફાસી ખાનાર રૂખડ વાણિયાની વંઠેલ રાંડ' તરીકે ઓળખાવી.

"રૂખડ!" સાહેબના કાન ચમક્યા. એ ખૂની વાણિયાની ઓરત હોવાનો દાવો કરનાર એક વટલેલી સિપારણને જોવાનું સાહેબના હ્રદયમાં કુતૂહલ જાગ્યું.

"સાહેબ, પોલીસ ખાતાનો આ કિસ્સો નથી. ઓરતે રેવન્યુ ખાતે જવું જોઇએ."

"છતાં, મારે એને મળવું છે."

સાહેબ રાવટીની બહાર આવ્યા. કાળા ઓઢણાની લાજના ઘૂમટા પછવાડે એણે કદાવર નારીદેહ દીઠો. મહીપતરામની પણ સૌ પહેલી નજર આ બાઇ ઉપર તે જ દિવસે પડી. ને એને પોતાની મરતી પુત્રીનું એ ચિંતાભરી સાંજનું સ્મરણ થયું. સ્મરણ થતાં જ મહીપતરામની મુખરેખાઓ સખ્તાઇના મરોડ છોડવા લાગી.

આ ઓરતના દેખ ઉપર વૈધવ્યના વેશ જોયા. ચૂડીઓ બંગડીઓ વિનાના અડવા હાથનાં કાંડાં તેમજ પંજા ક્ષીણ થયા હતા. જાણે એને કોઇક તાજી કબરમાંથી કફન સોતી ખડી કરવામાં આવેલી હોય તેવું ભાસતું હતું.

"કેમ કંઇ બોલતી નથી? મોં ઢાંકીને કેમ ઊભી છે?" સાહેબે શિરસ્તેદારને પૂછ્યું. શિરસ્તેદારે જવાબ આપ્યો: "એ તો વિધવાનો વેશ પાળતી હોવાનો દેખાવ કરી રહી છે."

"એને કહો કે પ્રાંતના સાહેબ પાસે જાય."

બાઇએ ઘૂંઘટમાંથી કહ્યું: "હું કોની પાસે જાઉં? હું કોઇને નથી ઓળખતી. બધા મારી મશ્કરી કરે છે. હું તો આ ભાણાભાઇ મને લાવ્યા તેથી મહીપતરામ બાપુ પાસે આવી છું."

"આ છોકરો કોણ છે?" સાહેબે પ્રશ્ન કર્યો.

મહીપતરામ જવાબ ન આપી શક્યા. પિનાકીએ જ કહ્યું: "એક વિધ્યાર્થી."

૬૮
સોરઠ તારાં વહેતાં પાણી