પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
સોરઠી બહારવટીયા
 

લેવા ગરીબોને સતાવે છે એ કે ? બેલીડાઓ ! ઓકોનરનાં દફતરને દીવાસળી મેલીને સળગાવી દીઓ.”

થોડી વારમાં તો કાગળીયાંનો મોટો ભડકો થયો. દફતર બળીને ખાખ થઈ ગયાં.

“કયાં છે તમારો ઓકોનર સાહેબ ?”

“બાલાચડી.”

“બાલાચડીમાં હવા ખાતો હશે ! કહેજે એને કે તમને વાલે રામ રામ કહેવરાવ્યા છે અને એક વાર મળવાની ઉમેદ છે. અને આ સીરેસ્તદારનું નાક કાપી લ્યો ભાઈ,”

“એ ભાઈસાબ ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે સીરેસ્તદાર ખેાટો ખેાટો બ્રાહ્મણ બની ગયો.

“ઠીક બેલી, છોડી મેલો એને.”


મામદ જામ

ચ્છુ નદી ખળળળ ખળળળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછંદ જુવાનો બેઠા છે. બન્નેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે.

“સાચેસાચ શું ફીટઝરાલ્ડ સાહેબ, અલાણા ! ” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું.

“હા ભાઈ મામદ જામ, ફીટઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.”

“ગોરો ઉઠીને, કાઠીઆવાડનો પોલીટીકાલ ઉઠીને મીયાણાની ઓરત માથે નજર કરે ? ભોરીંગને માથેથી પારસમણિ ઉપાડે?”

“તું નામર્દ છો. તારાથી શું થાવાનું હતું ?”

“અલાણા ! કલેજુ ઉકળે છે - તેલની કડા જેવું. અરરર ! ઓ૨ત બદલી પછી ક્યાં જઈ માથું નાખવું ?”