“કહેવરાવ્યું છે કે બે સાંતીની જમીન ખેડો છો તે
છૂટી જશે.”
“પણ કાંઈ વાંક ગુન્હો ? ”
“બારવટીયાને તમે રોટલા આપો છો. ”
“ ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા. આપવા પડે છે. કાલે ઉઠીને કાકાઓ મેરવદરને ફુંકી મારશે, જાણો છો ? અને ખેડુનાં સાંતી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા. વસ્તીને માથે એક કોરથી બારવટીયા આદુ વાવે, ને બીજી કોરથી તમે.”
ભીમા જતનો જવાબ ફોજદારે ગેાંડળ પહોંચાડ્યો. એ વાંચીને ભા કુંભાજીને રૂંવે રૂંવે ઝાળ લાગી. એક સો મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલાવી દીધું અને હુકમ લખ્યો કે “બહારવટીયાને આશરો દેવાના ગુન્હા બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે સાંતી જમીન ખાલસા કરવામાં આવે છે.”
સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો.
“અમારો ચાર ભાઈઓનો જુવાર બાજરીનો આછો જાડો જે રોટલો હતો, તે પડાવીને ભા કુંભાજી ગોંડળના રાજ મો'લમાં હવે દૂધ ચોખા શે દાવે જમશે ?”
એટલું બોલીને એણે ચારે ગમ અાંખા ફેરવી.
“અને ભીમા મલેક !” ગામલોકોએ ભેળા થઈને પોકાર કર્યો, “મેરવદરને માથે સો મકરાણીનું થાણું બેઠું - તારે એકને પાપે આખા ગામની બેડલી બુડી !”
ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો. ચારે ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પરિયાણ કર્યું. પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે. જઈને પોતે એને પૂછ્યું “તારી શી મરજી છે જતાણી ?”