લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૨૯
 

પહોંચાડી. અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢીઓ વહેતો કર્યો. રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા. અને દારૂગોળાનો ઢગલો થાય કે તૂર્ત બંદૂકો ધરબીને, સામી ખેપમાં બેઠેલ બહારવટીયાને ઉડાવી મૂક્યાની વાટ જોવા લાગ્યા.

મ્હોંસૂઝણું થઈ જવા આવ્યું છે. બાવાવાળાને કાંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠીને પ્રથમ આપા દાનાની સ્તુતિ કરી રહ્યા છે. અને એના રહેઠાંણને માથે જ સાંઢીયા ઉપરથી કોથળા ઉતારીને, નીચે પાથરેલ બુંગણ ઉપર, ગ્રાંટ સાહેબના બરકંદાજો દારૂ ઠલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો તો બહારવટીયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એક અકસ્માત બન્યો.

લોકો ભાંખે છે કે જે ઘડીયે બાવાવાળાએ આપા દાનાની સ્તુતિ કરી, તે જ ઘડીયે ચલાળા ગામમાં દાના ભગતે પોતાની જગ્યામાં શગડીની પાસે બેઠાં બેઠાં, એક ચીપીઆ વતી શગડીના અંદરથી એક ધગધગતો તીખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો, ને મેલતાં મેલતાં પોતે બેાલ્યા કે “હવે મેલ્યને એમાં ટાંડી !”

“હવે મેલ્યને એમાં ટાંડી ?” એ વેણ આંહી આપા દાનાનાં મ્હોંમાંથી પડ્યું, અને નાંદીવેલાને માથે જાણે કે એ હુકમનો અમલ થયો હોય તેમ દારૂ પાથરતાં પાથરતાં એક બરંકદાજની બંદૂકની સળગતી જામગ્રી દારૂમાં અડકી ગઈ. અડકતાં તો બુંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઉડયો. હ ડ ડ ડ ! દા લાગ્યો. અને સાહેબની ટુકડીનાં માણસે માણસ જીવતાં ને જીવતાં સળગીને ભડથાં થઈ ગયાં.

“આ શું ગઝબ ! આ ભડકા ને આ ભડાકા શેના ! આ બોકાસાં કોનાં !” એમ બોલતા જેમ બહારવટીયા બહાર નીકળ્યા તેમ દારૂખાનાનો દાવાનળ દીઠો. ડુંગરાની ખેાપો થરથરી ગઈ,