પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સોરઠી બહારવટીયા
 

અને ગંધકના ગોટેગોટ ધુમાડામાં એક બીજાનાં મ્હોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ.

બહારવટીયા બ્હાવરા બનીને ડુંગરામાં દોટાદોટ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરૂબંધોને જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઉભા રહીને પડકારો કર્યો:

“સુરજના પોતરા ભાગતાં લાજતા નથી કે બા ?”

“બાવા વાળા ! ભુંડે મોતે મરવું ? જીવતા હશું તો નામાં કામાં થઈ શકશે, પણ ભીંત હેઠળ શીદ કચરાઈ મરવું ?”

“એ બા, કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો ! એવું બોલવું બહારવટીયાના મ્હોંમાં ન શોભે. જીવતર વહાલું હોય ઈ ભલે ભાગી નીકળે. મારાથી તો નહિ ખસાય.”

ભોંઠા પડીને કાઠીઓ ઉભા રહ્યા. અને થોડી વારમાં ધુમાડો વીંખાયો કે તુર્ત જ બહારવટીયાઓએ ગ્રાંટ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો.

“એલા ટોપીવાળો જાય.”

“એને બરછીએ દ્યો ! ઝટ પરોવી લ્યો !”

“ખબરદાર, બા કોઇએ ઘા કર્યો છે તો. દોડો, ઘેાડાં ભેળાં કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો સવા લાખનો !” એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી, સાહેબના વેલુર ઘોડાની પાછળ, હરણ ખોડાં કરે એવા વેગથી, મૃત્યુલેાકના વિમાન જેવી કાઠીઆવાડી ઘોડીએ દોટ કાઢી. અને થોડુંક છેટું રહ્યું એટલે બાવાવાળાએ હાકલ કરી કે

“હવે થંભી જાજે સાહેબ, નીકર હમણા ભાલામાં પરોવી લીધો સમજજે.”