પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સોરઠી બહારવટીયા
 

અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ આબરૂ સાચવવાનો સમો આવ્યો સમજી આયરો ઉભા થઈ ગયા. આયરાણીઓ સાંબેલાં લઈને ઉભી રહી. ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટ્યો વણાઈ ગઈ છે. એવા નીમકલાલ આયરો ઉપર બાવો તૂટી પડ્યો. ખસી જાવ ! ખસી જાવ ! એવા ઘણા પડકારા કર્યા. પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો. કોઈએ પાછો પગ દીધો નહિ, ત્યારે બાવાવાળાએ કહ્યું “આ ભૂત વરણ છે. લાખ વાતેંય નહિ ખસે. માટે હવે વાટ્ય કોની જોવી ? કાપી નાખો.”

પછી મંડ્યા વાઢવા, આયર આયરણીએાના ઢગલા ઢાળી દીધા. એકે એક આયર, છાતીના ઘા ઝીલતો ઝીલતો પડકારી રહ્યો છે કે “હા મારો બાપો ! મોરલીધરનું નામ ! મોત ન બગાડજો ! આવી ઉજળી ઘડી ફરી નથી મળવાની”

પણ બાવાળાના કાળઝાળ ઝટકે આયરોનો સોથવાળી દીધો. પાંત્રીસ મોડબંધા પડ્યા, અરેકાર વરતાઈ ગયો, આજ પણ સરદારપરની બજારે અને પાદરમાં સીંદૂરવરણા પાળીઆનો પાર નથી. જાતાની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે.

સારી પેઠે સાનું રૂપું લુંટીને બાવાવાળો ભાગ્યો.

અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતોઃ જેતપૂર ખબર પહોંચી ગયા. જેતપૂરમાં દરબાર દેવા વાળા પથારીવશ પડ્યા છે. એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુવાળાએ વાંદર્ય ઘોડીને માથે પલાણ મંડાવ્યાં.

“મૂળુ ?” દેવા વાળાએ ચેતવણી દીધી. “જોજે હો ! વાંદર્યને લજવતો નહિ,”

મૂળુવાળે ઘોડાં હાંક્યાં. વાવડ મળ્યા હતા કે ગોરવીઆળીની સીમમાં બહારવટીયા રોટલા ખાવા રોકાશે. એટલે પોતે બરાબર દેહલી ધારનો મારગ લીધો.