પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૪૧
 

અાંહી બહારવટીયા ગોરવીઅાળીની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે, ત્યાં તો એક અસવારે આભમાં ડમરી ચડતી ભાળી. જોયું તો ભાલાં સૂરજને સંદેશા દેતાં આવે છે. પલકારામાં તો દેહલી ધાર ઉપર ભાલાં ઝબુકતાં દેખાયાં, અસવારે ચીસ નાખી કે 'બાપુ ગઝબ થયો. આપો દેવોવાળો પોગ્યા. દેવો કાંથડનો ! હવે કટકેય નહિ મેલે.”

બાવોવાળો નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેખાયું તો દેહલી ધાર માથે અસવારો ઉતરી ઉતરીને ઘોડાંના તંગ તાણતા ને અફીણની ખરલો ઘુંટતા લાગ્યા.

“ઝખ મારે છે !” બાવાવાળાએ હરખનો લલકાર કર્યો. “નક્કી ભાઈ મૂળુવાળો છે, દેવો વાળો ન હોય. દેવો કાંથડનો હોય તો તો કદિ તંગ ખેંચવા યે રોકાય ? દેવો તો ઢીલે તંગે ઘોડાં ભેળાં કરે. ફિકર નહિ. હવે તમ તમારે નિરાંતે ઘોડાં પલાણો.”

ઝબોઝબ ઘોડાં ઉપર ઘાસીઆ નખાયા અને કાઠીઓ ચડી ગયા. સામી બાજુથી મૂળુવાળો અફીણ કસુંબા લઈને અને તંગ તાણીને ઉતર્યો.

બેય સગા માશીયાઈ : બેય ગોરવીઆળીની સપાટ ધરતીમાં સામ સામા આટકયા. પેઘડા માથે ઉભા થઈ જઈને બે ય જણાએ ભાલાં ઉગામ્યાં. આભને ભેદે એવા સામસામા પડકારા દેવાણા. પણ ત્યાં તો કોણ જાણે શી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જનારી વાંદર્ય ઘોડી પોતાના અસ્વાર મૂળુવાળાના હાથમાંથી નીકળીને પાછી ફરી ગઈ. મૂળુવાળા તે વખતે ભુંડા દેખાણા. મૂળુભાઈ ભાગો મા ! મૂળુભાઈ ભાગો મા ! નહિ મારી નાખીએ ! લોહીનો ત્રસકો ય નહિ ટપકીએ ! એ બા ઉભા રો ! ઉભા રો ! એવા ચસ્કા શત્રુનાં માણસો પાડવા લાગ્યાં. અને પછી મૂળવાળે ઘણી યે વાંદર્યને પા ગાઉં માથેથી પાછી વાળી, પણ ત્યાં તો ગોરવીઅાળીના ચારણોને જાણ થાતા એ બધા દોટ મેલીને અાંબી ગયા. બે ય કટકને જોગ-