પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાંપરાજ વાળો

લાળા ગામમાં એક કાઠીને ઘેર કારજનો અવસર છે. ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાંપરાજ વાળો આવેલ છે, અને ટીંબલેથી હાથીઓ વાળો ને જેઠસૂર વાળો નામે બે ય ભાઈ હાજર થયા છે. ચારસો પાંચસો બીજા કાઠીઓ પણ વાળાકમાંથી, પાંચાળમાંથી ને ખુમાણ પંથકમાંથી આવ્યા છે. એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે, તે વખતે જુવાન ચાંપરાજ વાળાએ વાત કાઢી:–

“આપા હાથીઆ વાળા ! ઠીક થયું, તમે આંહી જ મળી ગયા. મારે ટીંબલાનો આંટો મટ્યો.”

“ભલેં, ભલેં, બા ચાંપરાજ, બોલ્ય, શું કહેવું છે ?"

“કહેવું તો એટલું જ, કે અમારી રૂપદેબાઈ બે'નને રોટલા પાણીનું દુઃખ શીદ દ્યો છે ? એની જીવાઈ કાં ચૂકવતા નથી ? બેનડી બિચારી ચરખે આવીને રાતે પાણીએ રોતી'તી ! ”

આટલા બધા નાતીલાઓની વચ્ચે ચાંપરાજ વાળાએ પોતાની ફુઇની દીકરીને ટીંબલાના પિત્રાઈઓ તરફથી મળતાં દુઃખની વાત ઉચ્ચારતાં, ટીંબલાના બન્ને ગલઢેરાને પોતાની ફજેતી થઈ લાગી. જેઠસૂરે અરણા પાડા જેવો કાંધરોટો દઈને જવાબ દીધો.